સુરત

સામાન્ય સંજોગોમાં સફાઈ કામદારોને સફાઈ અને આરોગ્ય સિવાય અન્ય કામગીરી નહી સોંપાય

સુરત: મનપા કમિ. બેનીવાલ દ્વારા ધનિષ્ઠ સફાઈ કામગીરી અને સતત મોનિટરિંગ માટેની હાલ કાગળ પર ઊભી કરેલી વ્યવસ્થા આગામી દિવસોમાં ખરેખર સંપૂર્ણ રીતે અમલી બને તો શહેરમાં ખાડે ગયેલ સફાઈ કામગીરીમાં નોંધપાત્ર સુધારો થઈ શકે તેમ છે. કમિ.એ શહેરમાં થતી સામાન્ય સફાઈને બદલે ઝોનના મુખ્ય સ્થળો (હોટસ્પોટ) અને મહત્વના રસ્તાઓને નિશ્ચિત કરી ઝોનની જરૂરિયાત મુજબ અગાઉથી દિવસો નક્કી કરી માસિક ડીપક્લિયરિંગ સમય પત્રક તૈયાર કરવાની તાકીદ કરી છે.

આગામી માસમાં ઝોન/વોર્ડ સ્તરે દિવસ દીઠ જે સફાઈ કામગીરી આવરી લેનાર છે. તે રૂટ અને સમયનું શિડ્યુલ ચાલુ માસની ૨૫ તારીખ સુધીમાં તમામ નાયબ અધિકારીઓએ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. એટલે કે, જાન્યુઆરી-૨૦૨૭માં જે રૂટ પર કામગીરી જે-તે દિવસે કરવાની છે, તે અંગેનું શિડ્યુલ ૨૫ ડિસેમ્બર સુધીમાં ડેપ્યુટી નાયબ આરોગ્ય અધિકારી દ્વારા અપલોડ કરવાનું રહેશે. એટલું જ નહીં, સફાઈ કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને સ્વચ્છતા અને જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખી સામાન્ય સંજોગોમાં સફાઈ સિવાય અન્ય કોઈપણ કામગીરીની સોંપણી ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

અન્ય કામગીરી સોંપવાની અનિવાર્યતા ઊભી થાય તેવા કિસ્સામાં મનપા કમિ.ની પૂર્વ મંજૂરી મેળવવાનું ફરજિયાત બનાવાયું છે. તદુપરાંત, સાફ કરેલ ન્યૂસન્સ સ્પોટ ફરીથી ઊભા ન થાય તે માટે અલગથી નિરીક્ષણની વ્યવસ્થા ગોઠવવા અને જાહેરમાં કચરો કે ડેબ્રીઝ નાખનાર સામે નિયમાનુસાર દંડકીય કાર્યવાહી માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો