સુરત: લાલગેટ વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં બનેલા છેડતી, ગેરકાયદેસર ગૃહપ્રવેશ, મારામારી અને એટ્રોસીટીના કેસમાં સુરતના એડિશનલ સેશન્સ જજ (સ્પેશિયલ એટ્રોસીટી) પીયૂષકુમાર અશોકભાઈ પટેલે આરોપી ગુલામ શાબીર મોહમદ સફી સાયકલવાલાને તકસીરવાર ઠરાવી ૩ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી.
ફરિયાદ પક્ષની વિગત મુજબ, નવરાત્રિ દરમિયાન ફરિયાદીની નાની દીકરી નણંદના ઘરે હતી, જ્યાં તેને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દીકરીએ ઊલટી કરતાં કપડાં બગડ્યા હતા. આથી તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ રાત્રે ફરિયાદી તેના ભાઈ સાથે ઘરે કપડાં લેવા આવી હતી. ત્યારે આરોપીએ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી પાછળથી પકડી બાથમાં ભીડી છેડતી કરી હતી. ફરિયાદીના પતિએ આરોપીને અહીં શું કરે છે તેમ પૂછતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિ વિષયક અપશબ્દો બોલી ઢીક્કમુક્કીનો માર માર્યો હતો.
ફરિયાદીએ બૂમાબૂમ કરતાં આરોપી નાસી છૂટ્યો હતો. આરોપી અવારનવાર ફરિયાદીની છેડતી કરતો હતો. આ બનાવ અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી. બચાવ પક્ષે ભાડાની મિલ્કતની તકરારમાં ખોટો કેસ કર્યો હોવાની રજુઆત કરી હતી. સરકાર પક્ષે એપીપી દિગંત તેવર ફરિયાદ પુરવાર કરવામાં સફળ થતાં કોર્ટે આરોપી ગુલામ શાબીર મોહમદ સફી સાયકલવાલાને દોષિત ઠેરવી ૩ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.