સુરત

બીમારી છુપાવ્યાના બહાને કેન્સરનો ક્લેઇમ રદ કરનાર વીમા કંપનીને ગ્રાહક કમિશનની ફટકાર

હાર્ટના વાલ્વની સર્જરીને મોઢાના કેન્સર સાથે કોઈ સીધો સંબંધ નથી અને તેથી વિમેદારે વીમો લેતા અગાઉ હાર્ટના વાલ્વની સર્જરી કરાવી હોય અને તે હકીકત વીમો લેતી વખતે જણાવવાનું વિમેદાર ચૂકી ગયા હોય તો પણ કેન્સરની સારવારનો ક્લેમ ચૂકવવા વીમા કંપની જવાબદાર બને છે એવું ઠરાવી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) એ મોઢાના કેન્સરની સારવારનો મેડિક્લેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને સેવામાં ખામી બાબતે દોષિત ઠેરવી સારવારનો ખર્ચ રૂ. 2,95,566 વ્યાજ સહિત વિમેદારને ચૂકવવાનો આદેશ આપતો હુકમ કર્યો હતો.

ફરિયાદી હિંમતભાઈ બેલડીયાને શારીરિક તકલીફ જણાતાં ભરત કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટેસ્ટ અને રિપોર્ટના આધારે તેમને મોઢાના ગાલની અંદરના ભાગનું કેન્સર હોવાનું નિદાન અને સર્જરી કરવામાં આવી હતી અને સારવારમા થયેલો ખર્ચ રૂ. 2,95,566 મેળવવા ક્લેઇમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ હૃદયની બીમારી છુપાવી હોવાનું કારણ આપી કલેઈમ નામંજૂર કર્યો હતો. જેથી ફરિયાદીએ કમિશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી તરફે  એડવોકેટ શ્રેયસ દેસાઈ,  ઇશાન દેસાઈ અને શ્રીમતી પ્રાચી અર્પિત દેસાઈએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફરિયાદીને મોઢાનું કેન્સર પોલીસી લીધા પહેલાંની નહોતી અને તેનું નિદાન જાન્યુઆરી-2020માં જ થયું હતું.

વીમા કંપનીએ ક્લેઇમ નકારતાં પહેલાં કોઈ ઇન્વેસ્ટિગેશન કર્યું નહોતું, ક્લેઇમ માત્ર અનુમાનના આધારે નકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડૉકટરે આપેલા સર્ટિફિકેટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભૂતકાળમાં થયેલી હૃદયના વાલ્વની સર્જરી અને હાલના કેન્સર વચ્ચે કોઈ સંબંધ નથી. બંન્ને પક્ષની રજૂઆત બાદ કમિશને ઠરાવ્યું હતું કે ક્લેઇમ રદ કરવાનું કૃત્ય ન્યાયસંગત નથી અને ફરિયાદીની ફરિયાદ યોગ્ય અને વ્યાજબી છે. ખોટી અને ગેરવ્યાજબી રીતે ક્લેઇમ નકારાયો હોવાથી કમિશને ફરિયાદ અંશતઃ મંજૂર કરી ક્લેઇમની રકમ વ્યાજ સાથે ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. 


ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો