સુરત

૯.૯૨ કરોડના કૌભાંડ કેસમાં અભિનવ ગોલ્ડનાં અનિલ બિરલાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

સુરત: ૯.૯૨ કરોડના કૌભાંડ કેસમાં અભિનવ ગોલ્ડનાં મુખ્ય આરોપી અનિલ બિરલાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં   મુખ્ય આરોપી અને 'અભિનવ ગોલ્ડ ઇન્ટરનેશનલ માર્કેટિંગ પ્રા. લિ.' કંપનીના માસ્ટરમાઈન્ડ ગણાતા અનિલ શંકરલાલ બિરલાએ ચાર્જશીટ બાદ જામીન અરજી  સેશન્સ કોર્ટમાં કરી હતી. રાજસ્થાન ભીલવાડાનાં અનિલ શંકરલાલ બિરલાની આઈપીસીની કલમ 406, 420, 120(બી), 114 તેમજ પ્રાઈસ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ-1978ની કલમ 3, 4 અને 5 હેઠળ ડીસીબીએ ધરપકડ કરી હતી. લોભામણી સ્કીમ દ્વારા કુલ 9,92,77,490નું રોકાણ મેળવી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં આરોપીની જામીન અરજી તરફેણમાં  રજૂઆત કરાઈ હતી કે ચાર્જશીટ દાખલ થઈ છે, અન્ય સહ-આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, આરોપી નિર્દોષ છે અને ફરિયાદી તથા સાક્ષીઓ વચ્ચે સમાધાન પણ થયું છે, તેથી જામીન આપવા રજુઆત કરવામાં આવી હતી. જયારે સરકાર પક્ષે એ.પી.પી. આર.પી. ડોબરિયાએ જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપી ગુનામાં સક્રિય રીતે સંડોવાયેલો છે અને કંપનીનો મુખ્ય સૂત્રધાર છે. વધુમાં, અગાઉ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ આરોપીની અરજી ફગાવાઈ છે. કોર્ટે બન્ને પક્ષની રજૂઆત બાદ નોંધ્યું હતું કે ફરિયાદી અને સાક્ષીઓ વચ્ચે થયેલા સમાધાન માત્રથી ગુનાની ગંભીરતા અને આરોપીની ભૂમિકાને નજરઅંદાજ કરી શકાય નહીં, તેમજ કોઈ નવું ગ્રાઉન્ડ ન હોવાથી કોર્ટે બી.એન.એસ.એસ.ની કલમ 483 હેઠળ વિવેકાધિકાર વાપરવાનો ઈનકાર કરીને જામીન અરજી નામંજૂર કરી હતી. 

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો