સુરત: સુરત મહાનગરપાલિકા વતી ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ પિટિશનો અને કેસો લડતા પેનલ એડવોકેટોને મળતી ફીના માળખામાં લગભગ અઢી દાયકા બાદ સુધારો કરવાની કવાયત તેજ બની છે. તેની સાથે જ સ્થાનિક અદાલતોમાં કાર્યરત પેનલ એડવોકેટો માટે અમલમાં રહેલા જૂના ફીના દરોમાં પણ ફેરફાર કરીને વધારો કરવાનું આયોજન કરાયું છે. સ્થાનિક કોર્ટના વકીલો માટે અગાઉ વર્ષ ૨૦૧૨માં સ્થાયી સમિતિ દ્વારા ફીના ધોરણો નક્કી કરાયા હતા. હવે હાઇકોર્ટ તેમજ સ્થાનિક કોર્ટના પેનલ એડવોકેટોને કેસ મુજબ ચૂકવાતી ફીમાં સુધારો-વધારો કરવા અંગેની દરખાસ્ત કાયદા સમિતિની આગામી બેઠકમાં મૂકવામાં આવી છે.
તાજેતરના સમયગાળામાં હાઇકોર્ટ અને સ્થાનિક કોર્ટોમાં ચાલતા કેટલાક કેસો કે પિટિશનો સંદર્ભે પેનલ એડવોકેટો તેમજ મનપાના વલણને લઈને ઊભા થયેલા વાંધાજનક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ દરખાસ્તમાં વધારાની શરતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરાયો છે. વકીલોને નિયત ફીના આધારે કેસ સોંપાયા બાદ તેમની કઈ જવાબદારીઓ રહેશે, તે બાબત નવી શરતોમાં સ્પષ્ટ રીતે ઠરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના પેનલ એડવોકેટોની વર્તમાન ફી સ્થાયી સમિતિના ઠરાવ નં. ૭૨૦/૨૦૦૧ મુજબ ચાલી રહી છે, જ્યારે સ્થાનિક કોર્ટના પેનલ એડવોકેટ માટેના ફીના ધોરણો ઠરાવ નં. ૧૭૨૭/૨૦૧૨ દ્વારા નક્કી કરાયા હતા. હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીઓ (PIL) મોટી સંખ્યામાં થતી હોવાથી પહેલીવાર પીઆઇએલ કેટેગરી માટે પણ અલગથી ફીનું ધોરણ મંજૂર કરવાની ભલામણ સંબંધિત વિભાગે કરી છે.
દરખાસ્તમાં થયેલી ભલામણો અનુસાર, એસસીએ (SCA), એલપીએ (LPA), રિટ પિટિશન (WP), સિવિલ તેમજ ક્રિમિનલ અપીલ જેવા કેસોમાં હાઇકોર્ટના પેનલ એડવોકેટોને અગાઉ મળતા રૂ. ૫૦૦૦ના બદલે હવે રૂ. ૧૫૦૦૦ સુધીની ફી ચૂકવવાનું સૂચન કરાયું છે. આ ઉપરાંત વિવિધ કેટેગરીના કેસો અને કરાર આધારિત બાબતો માટે જુદા-જુદા ફીના દરો નિર્ધારિત કરવાની ભલામણ દરખાસ્તમાં કરવામાં આવી છે.