સુરત

સુરતમાં પોસ્ટર વોર: ઉધના દરવાજા ખાતે યુવા કોંગ્રેસે ઝુકરબર્ગના RSS વેશભૂષાવાળા પોસ્ટર લગાવ્યા, ભાજપ યુવા મોરચાએ હટાવ્યા

સુરત: શહેરમાં આવેલા ઉધના દરવાજા વિસ્તારમાં સુરત શહેર યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'મેટા' (Meta) ના માલિક માર્ક ઝકરબર્ગનું RSSની વેશભૂષામાં પોસ્ટર લગાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત શહેર યુવા કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિત રીતે પક્ષપાત આચરવામાં આવી રહ્યો છે અને ચોક્કસ રાજકીય પોસ્ટ્સ પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ આ મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમામ રાજકીય વિચારધારાઓને સમાન અધિકાર અને સ્થાન મળે છે?

બીજી તરફ, ઉધના દરવાજા ખાતે યુવા કોંગ્રેસ દ્વારા આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાની જાણ થતાં જ સુરત શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને ભાજપ યુવા મોરચાના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા. ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસના આ વિરોધ સામે વાંધો ઉઠાવીને લગાવવામાં આવેલા તમામ પોસ્ટરો ઉતારીને કાઢી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ અંગે યુવા કોંગ્રેસના આગેવાનોએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં સવાલ પૂછવો એ તેમનો બંધારણીય અધિકાર છે અને અભિવ્યક્તિની આઝાદી એ જ લોકશાહીની સાચી તાકાત છે. આમ, ઉધના દરવાજા ખાતે પોસ્ટર લગાવવા અને ત્યારબાદ ભાજપ યુવા મોરચા દ્વારા તેને હટાવી દેવાની ઘટનાને પગલે સુરતના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો