વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છાણી જકાતનાકા પાસે આવેલા ટી.પી.-13ના વી.એમ.સી. ક્વાર્ટર્સમાંથી હેરોઈનના જથ્થા સાથે 65 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીના રહેણાંક મકાનમાંથી 287 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે હેરોઈન સહિત કુલ રૂ.57.45 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી છેલ્લા દોઢેક વર્ષથી ચતો એટલે કે હેરોઈનના છૂટક વેચાણના ધંધામાં સંડોવાયેલો હોવાની વિગતો બહાર આવી છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરવા એસઓજીને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એસઓજી પીઆઈ ડી.જે. ચુડાસમાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ જતિનકુમાર રવિન્દ્રભાઈને બાતમી મળી હતી કે, છાણી જકાતનાકા પાસે આવેલા ટી.પી.-13ના વી.એમ.સી. ક્વાર્ટર્સમાં રહેતો બલવિન્દરસિંઘ પ્યારાસિંઘ રંધાવા પોતાના મકાનમાં હેરોઈન સંતાડી ગ્રાહકોને પડીકીઓ બનાવી વેચાણ કરે છે.
આ બાતમીના આધારે ફતેહગંજ પોલીસના પીઆઈ એ.એમ. ગઢવી તથા એસઓજીની ટીમે એનડીપીએસ એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો. દરમિયાન મકાનમાંથી 65 વર્ષીય બલવિન્દરસિંઘ પ્યારાસિંઘ રંધાવા મળી આવ્યો હતો. મકાનની તપાસ કરતાં 287 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.57.40 લાખ આંકવામાં આવી છે.
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, આશરે દસ દિવસ પહેલાં પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં જવા માટે ગયો હતો. ત્યારબાદ બે-ત્રણ દિવસ પહેલાં પરિવારની જાણ બહાર અમૃતસર જિલ્લાના ખીલચીયાન ગામે રહેતા લખનસિંઘ પાસેથી રૂ.11.50 લાખમાં 300 ગ્રામ હેરોઈન ખરીદ્યું હતું. આ જથ્થો બેગમાં સંતાડીને વડોદરા લાવ્યો હતો. ઘરે હેરોઈન સંતાડી રાખી એક-એક ગ્રામના નાના પેકેટ બનાવી રૂ.2 હજારથી રૂ.2,500માં ગ્રાહકોને વેચતો હતો.
પોલીસે આરોપી પાસેથી 287 ગ્રામ હેરોઈન ઉપરાંત રૂ.700 રોકડા, એક મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.57,45,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી હેરોઈનનો જથ્થો પૂરો પાડનાર પંજાબના લખનસિંઘને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી કેટલા સમયથી વડોદરામાં હેરોઈનનું વેચાણ કરતો હતો અને તેની પાસેથી અન્ય કોણ-કોણ ખરીદી કરતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે.