સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તેમજ મસ્કતિ ચેરીટેબલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને વ્યવસ્થાપન માટે જરૂરી સહાયક સ્ટાફની સેવા જાળવી રાખવા તંત્ર દ્વારા ફરી એકવાર જૂના કોન્ટ્રાક્ટરને જ મુદત વધારો (એક્સટેન્શન) આપવાની તૈયારી કરવામાં આવી છે. નવી એજન્સીની પસંદગી માટેની ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થઈ શકતા અને હાલના કોન્ટ્રાક્ટરની સમયમર્યાદા પૂરી થવાના આરે હોવાથી પાલિકાએ નાછૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે. આ વ્યવસ્થા હેઠળ 315 કર્મચારીઓની આઉટસોર્સ સેવા યથાવત રાખવા માટે મનપાની તિજોરીમાંથી વધુ રૂ. 2.48 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
મનપાના મહેકમ શિડ્યૂલ મુજબ બંને હોસ્પિટલોમાં નર્સની 90, વોર્ડબોયની 140 અને આયાની 85 જગ્યાઓ મળીને કુલ 315 જગ્યાઓ આઉટસોર્સ પદ્ધતિથી ભરવામાં આવી છે. અગાઉ માર્ચ 2024માં સ્થાયી સમિતિની મંજૂરી મળ્યા બાદ આ કામગીરી 1 વર્ષ માટે મે. ડી.જી. નાકરાણીને સોંપવામાં આવી હતી. જોકે, ત્યારથી કાયમી ધોરણે નવી નિમણૂક કરવાને બદલે સમયાંતરે મુદત વધારીને જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. હાલનો વર્કઓર્ડર આગામી 30 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. બીજી તરફ, પાલિકા તંત્ર દ્વારા નવી એજન્સી નક્કી કરવા માટે જીઇએમ (GeM) પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કામગીરી સોંપવા અંગેની દરખાસ્ત પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ હતી. પરંતુ, ગત 6 નવેમ્બરે સેક્રેટરી વિભાગે આ ફાઈલ પરત મોકલતા સમગ્ર પ્રક્રિયા પર બ્રેક વાગી ગઈ હતી.
તંત્રના જણાવ્યા અનુસાર હવે આ સમગ્ર કામગીરી માટે નવેસરથી ટેન્ડર પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટી ગૂંચવણો વચ્ચે બંને હોસ્પિટલોમાં દર્દીઓની સેવા અને સ્ટાફની વ્યવસ્થા ખોરવાય નહીં તે હેતુથી હાલના કોન્ટ્રાક્ટરને આગામી 1 ડિસેમ્બરથી વધુ 3 મહિના માટે અથવા નવી એજન્સીને વર્કઓર્ડર મળે ત્યાં સુધી—બંનેમાંથી જે વહેલું હોય તે મુજબ કામગીરી ચાલુ રાખવા દેવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે. આ મુદત વધારા પેટે પાલિકાને અંદાજે રૂ. 2,48,12,172નો ખર્ચ થશે. આમ, વહીવટી પ્રક્રિયા અધૂરી રહેતા જૂની વ્યવસ્થાને જ કરોડો રૂપિયાના ખર્ચે આગળ ધપાવવાની નોબત આવી છે.