સુરત

સુરતના અડાજણમાં લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા, પરિણીતાને રૂ. 13.70 લાખનો ચૂનો લગાવનાર મિલન સુરતી ઝડપાયો

સુરત: અડાજણ વિસ્તારમાં રહેતી મૂળ મહારાષ્ટ્રની 30 વર્ષીય રેશમા (નામ બદલ્યું છે)ને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધી અલગ અલગ બહાને રૂ. 13.70 લાખ પડાવવાના પ્રકરણમાં અડાજણ પોલીસે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા 27 વર્ષીય મિલન રામભાઈ સુરતીની ધરપકડ કરી છે. આરોપીએ રેશમા પાસેથી રૂ. 11.70 લાખ ઓનલાઇન અને રૂ. 2 લાખ રોકડા મેળવ્યા હતા. એટલું જ નહીં, રેશમાએ વિશ્વાસમાં આવી પોતાની પાસે રહેલા 52 ગ્રામ સોનાના અંદાજે રૂ. 5 લાખની કિંમતના દાગીના વેચીને પણ તેને નાણાંની મદદ કરી હતી. આરોપીએ આ નાણાંમાંથી પોતાની હોમલોન પણ ચૂકવી દીધી હતી.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ મહારાષ્ટ્રની અને અડાજણ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય રેશમા છેલ્લા ત્રણ વર્ષથી પોતાના બે બાળકો સાથે પતિથી અલગ રહેતી હતી. આ દરમિયાન બે વર્ષ પહેલાં ઇવેન્ટ મેનેજમેન્ટના કામકાજ દરમિયાન તેનો પરિચય મિલન રામભાઈ સુરતી (ઉં.વ. 27, રહે. સ્નેહ વાટિકા એપાર્ટમેન્ટ, ગોપીપુરા) સાથે થયો હતો. મિલન પણ પોતાની પત્નીથી અલગ રહેતો હતો અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો.

બંને વચ્ચે અવારનવાર મુલાકાતો બાદ મોબાઇલ નંબરની આપ-લે થતાં વાતચીત શરૂ થઈ હતી. ધીમે ધીમે મિલને રેશમા સાથે નિકટતા કેળવી પ્રેમસંબંધ બાંધ્યો હતો. લગ્ન કરવાની ખાતરી આપી મિલન છેલ્લા બે વર્ષથી રેશમા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન રેશમાના બાળકોના ભરણપોષણ માટે તેની માતા રોકડ મદદ કરતી હોવાની જાણ મિલનને થતાં તેણે અલગ અલગ બહાનાં હેઠળ રેશમા પાસેથી નાણાં માંગવાનું શરૂ કર્યું હતું.

રેશમા જ્યારે પણ લગ્નની વાત કરતી ત્યારે મિલન તેના છૂટાછેડા થઈ જાય ત્યારબાદ લગ્ન કરીશું તેવી વાત કરીને લગ્નનો વાયદો કરતો હતો. બીજી તરફ વિશ્વાસમાં આવેલી રેશમા તેને નાણાંની મદદ કરતી રહી હતી. મિલને અલગ અલગ બહાનાં હેઠળ રેશમા પાસેથી ઓનલાઇન રૂ. 11.70 લાખ અને રોકડા રૂ. 2 લાખ મળી કુલ રૂ. 13.70 લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં, રેશમાએ પોતાના 52 ગ્રામ સોનાના આશરે રૂ. 5 લાખના દાગીના વેચીને પણ મિલનને નાણાં આપ્યા હતા. આ નાણાંનો ઉપયોગ મિલને પોતાની હોમલોન ભરપાઈ કરવા માટે કર્યો હતો.

જોકે, લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહેલી રેશમાએ મિલન પર લગ્ન માટે દબાણ કરતાં તેણે રેશમાને તરછોડી દીધી હતી. ત્યારબાદ રેશમાએ વધુ તપાસ કરતાં મિલનનાં પણ લગ્ન થયાં હોવાનું અને તે પણ પોતાની પત્નીથી અલગ રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મિલનના ઘરે જઈ નાણાંની ઉઘરાણી કરતાં તેણે રેશમાને ધમકાવીને કાઢી મૂકી હતી.

આખરે ન્યાય મેળવવા રેશમાએ અડાજણ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 69 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને નાણાં પડાવવાના આ પ્રકરણમાં આરોપી મિલન રામભાઈ સુરતીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો