સ્પોર્ટ્સ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા દાંત વગરના વાઘ જેવું સેન્ડપેપરગેટ રિવ્યુ ફોરમ રચાયું

બ્રિસ્બેન : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે શુક્રવારે સ્પષ્ટતા કરી કે 2018ના બહુચર્ચિત સેન્ડપેપરગેટ છેતરપિંડી કૌભાંડની સમીક્ષા કરવા માટે રચાયેલા ફોરમ દ્વારા કોઈપણ ખેલાડી કે કોચને કોઈપણ રીતે સજા કરવામાં આવશે નહીં.

આ મહિનાની શરૂઆતમાં ભૂતપૂર્વ ઓપનર ઉસ્માન ખ્વાજાની આત્મકથા પ્રકાશિત થયા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ખ્વાજાએ ખુલાસો કર્યો હતો કે આખી ટીમ બોલ ટેમ્પરિંગના કાવતરાથી વાકેફ હતી. વર્તમાન કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજાના આ આરોપને ફગાવી દઇને તેને સંપૂર્ણ બકવાસ ગણાવ્યો હતો.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે 2018 માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે એક સ્વતંત્ર મંચ ખોલ્યો છે અને તે છ અઠવાડિયા સુધી ચાલશે. વરિષ્ઠ વકીલ ફિયોના મેકલિયોડને ફોરમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પ્રાપ્ત માહિતી અને નિવેદનોના આધારે એક અહેવાલ અને ભલામણો પ્રદાન કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે આ ફોરમ કોઈ શિસ્ત પ્રક્રિયા કે ન્યાયિક સુનાવણી નથી. તે કોઈપણ વ્યક્તિ વિશે કોઈ પ્રતિકૂળ તારણો કાઢશે નહીં, કોઈપણ વ્યક્તિની જવાબદારી નક્કી કરશે નહીં, પહેલાથી લાદવામાં આવેલા કોઈપણ પ્રતિબંધો પર પુનર્વિચાર કરશે નહીં, અથવા કોઈપણ દંડની ભલામણ કરશે નહીં.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો