બારડોલી: સુરત જિલ્લાના બારડોલી તાલુકાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અંતર્ગત સરપંચ પદની અનામત બેઠકોની ફાળવણીમાં અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ (OBC/SEBC) ને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ સાથે તાલુકાના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બારડોલીના નાગરિકો વિજય વાઘેલા, પિયુષ કંથારિયા અને વાસુ માલીએ બારડોલી મામલતદાર કચેરી મારફતે સુરત જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને આ લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તંત્ર દ્વારા તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બારડોલી તાલુકાની કુલ ૭૬ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે અનામત રોટેશનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં ૭૫ ગ્રામ પંચાયતો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે માત્ર ૧ બાબેન ગ્રામ પંચાયતની બેઠક 'સામાન્ય (બિન-અનામત)' તરીકે ફાળવવામાં આવી છે. તાલુકામાં SC અને OBC વર્ગની નોંધપાત્ર વસ્તી હોવા છતાં એક પણ ગ્રામ પંચાયતમાં આ બંને વર્ગોને અનામત બેઠક ન ફાળવાતા તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સરપંચ પદના પ્રતિનિધિત્વથી સંપૂર્ણપણે વંચિત રહી ગયા છે.
આવેદનપત્રમાં બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, બિન-અનુસૂચિત વિસ્તારમાં આવતી અથવા જ્યાં SC અને OBC સમાજની નોંધપાત્ર વસ્તી છે તેવી પંચાયતોમાં રાજ્ય સરકારના નવા નિયમો મુજબ ૨૭ ટકા OBC અનામત અને વસ્તીના પ્રમાણમાં SC અનામતનો લાભ મળવો જોઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૪૩-ઘ (૪) તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ મુજબ રોટેશનના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, પરંતુ રાજકીય દખલગીરી હેઠળ રોટેશનનો ક્રમ તોડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત, બાબેન ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા વર્ષોથી રોટેશન વગર માત્ર 'સામાન્ય વર્ગ'ની જ બેઠક ચાલી આવતી હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. અંતમાં, અરજદારોએ પ્રસિદ્ધ થયેલા જાહેરનામાની પુનઃસમીક્ષા કરી કાયદાકીય જોગવાઈઓ અને વસ્તીના આંકડાઓને ધ્યાનમાં રાખી SC અને OBC સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માંગ કરી છે. આ આવેદનપત્રની નકલ રાજ્ય ચૂંટણી આયોગ (ગાંધીનગર) અને બારડોલી તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ સારુ રવાના કરવામાં આવી છે.