ભારત

પરિસીમન બિલ પર NCP (શરદ પવાર જૂથ)માં અસમંજસ: સુપ્રિયા સુળેએ કહ્યું- "પહેલાં બિલ જોઈશું, પછી નિર્ણય લઈશું"

એનસીપી (શરદ પવાર જૂથ) એ સીમાંકન પ્રક્રિયાને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. પક્ષના નેતા જિતેન્દ્ર આવ્હાડે આ વાતની પુષ્ટિ કરી છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પક્ષના વડા શરદ પવાર સાથેની મુલાકાત બાદ આવ્હાડે જણાવ્યું હતું કે, "સીમાંકન બંધારણીય જોગવાઈઓ અનુસાર થવું જોઈએ. સુપ્રિયા તાઈ અને પક્ષના સંસદસભ્યોએ આ નિર્ણય લીધો છે અને અમારો પક્ષ તેને સમર્થન આપશે." આવ્હાડે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું, "એવું નથી કે અમે અગાઉ આ મુદ્દે પક્ષના વલણ અંગે કોઈ ચર્ચા કરી રહ્યા હતા પરંતુ ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે સીમાંકન એ એક બંધારણીય આવશ્યકતા છે તે થવું જ જોઈએ. પછી ભલે તે આજે થાય, આવતીકાલે થાય કે પરમ દિવસે, તે અનિવાર્ય છે."

જિતેન્દ્ર આવ્હાડે શરદ પવાર સાથેની મુલાકાત બાદ બિલને સમર્થન આપવાની વાત કરી હતી, પરંતુ સુપ્રિયા સુળેએ હજુ સુધી પાર્ટીનું અંતિમ વલણ સ્પષ્ટ કર્યું નથી. સંસદના વિશેષ સત્ર પહેલાં પ્રસ્તાવિત પરિસીમન (Delimitation) બિલને લઈને NCP (શરદચંદ્ર પવાર)ના વલણ અંગે ચર્ચા તેજ બની છે. પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે પાર્ટી આ બિલને સમર્થન આપશે. જોકે, પાર્ટીનાં સાંસદ સુપ્રિયા સુળેએ હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો હોવાની પુષ્ટિ કરી નથી.

જિતેન્દ્ર આવ્હાડના જણાવ્યા અનુસાર, બંધારણીય જોગવાઈઓ પ્રમાણે પરિસીમન થવાનું છે. તેમણે કહ્યું કે સુપ્રિયા સુલે સહિતના સાંસદોએ બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

સુપ્રિયા સુલેએ શું કહ્યું?

પ્રસ્તાવિત પરિસીમન બિલ અંગે પૂછવામાં આવતાં સુપ્રિયા સુળેએ કહ્યું કે તેમને હજુ સુધી બિલનો મુસદ્દો મળ્યો નથી. સંસદના વિશેષ સત્રની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેનો એજન્ડા પણ તેમની પાસે નથી.

તેમણે કહ્યું, "અમારી પાર્ટી શિસ્તબદ્ધ છે. સંસદના સત્રની તારીખો જાહેર થયા બાદ પાર્ટીના વ્હિપ અમોલ કોલ્હે સાંસદોને સૂચના આપે છે. મેં હજુ સુધી બિલ જોયું નથી, તો તેના પર પાર્ટીનું વલણ કેવી રીતે જણાવી શકું?" તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે બિલનો અભ્યાસ કર્યા બાદ જ પાર્ટી પોતાનું અંતિમ વલણ જાહેર કરશે.

પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું?

NCP (શરદ પવાર જૂથ)ના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ શશિકાંત શિંદેએ પણ કહ્યું હતું કે સંસદમાં બિલ રજૂ થયા બાદ સાંસદો તેની જોગવાઈઓનો અભ્યાસ કરશે. ત્યારબાદ પાર્ટી પોતાનું વલણ નક્કી કરશે. અહેવાલ મુજબ, પાર્ટીએ લોકસભાના પોતાના તમામ 8 સાંસદોને 30 નવેમ્બરથી શરૂ થનારા વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ પણ જાહેર કર્યો છે.

30 નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર

કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં મહિલા અનામત અને પરિસીમન સાથે સંબંધિત બંધારણીય સુધારા અંગે ચર્ચા થવાની શક્યતા છે. અગાઉ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે જો લોકસભાની બેઠકોમાં તમામ રાજ્યો માટે સમાન રીતે 50 ટકાનો વધારો કરવામાં આવે, મહિલા અનામત લાગુ કરવામાં આવે અને પરિસીમન પંચમાં વિપક્ષને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે, તો પાર્ટી બિલને સમર્થન આપવા અંગે વિચાર કરી શકે છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો