સુરત જિલ્લો

બારડોલીના નવી કીકવાડ નજીક નેશનલ હાઈવે-૫૩ પર અજાણ્યા વાહનની અડફેટે ૪૦ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા નવી કીકવાડ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૫૩ પર ગુરુવારે રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે. પૂરઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તે ચાલતા જતા ૪૦ વર્ષીય યુવકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક પોતાના વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

મળતી વિગતો અનુસાર, મૂળ કામરેજ તાલુકાના ટીંબા ગામના વતની અને હાલ નવી કીકવાડ ગામના માછી ફળિયામાં રહેતા મનોજ ઉર્ફે બોડીયો ભુલાભાઈ રાઠોડ (ઉં.વ. ૪૦) ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવાર, તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે આશરે પાંચ વાગ્યે તેઓ ગામમાં રાજુભાઈ રબારીના ઘરે લગ્ન પ્રસંગ જોવા જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે નવી કીકવાડ ગામની સીમમાં આફવા તરફ જતા નેશનલ હાઈવે નં. ૫૩ પર તેઓ ચાલતા જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહનનું ટાયર તેમના શરીર પર ફરી વળતા પેટ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં ફળિયાના સંજય રાઠોડે મૃતકના માસીના દીકરા સતીષભાઈ મનુભાઈ રાઠોડને હાઈવે પર અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. સતીષભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને તપાસ કરતા નવી કીકવાડના સરપંચ કિશનભાઈ ચૌધરી તેમજ બાજુના મોટી ભટલાવ ગામના લોકો ત્યાં એકઠા થયા હતા અને રોડની બાજુમાં પડેલો મૃતદેહ તેમના ભાઈ મનોજભાઈનો હોવાનું ઓળખાયું હતું. મૃતક મનોજભાઈના માતા-પિતા અને પત્ની હયાત નથી, અને તેમની એકમાત્ર પુત્રી રાશીબેન માંડવી તાલુકાના ઝરીમોરા ખાતે તેની માસી સાથે રહે છે. આ અંગે ફરિયાદી સતીષભાઈ રાઠોડની ફરિયાદના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો નોંધ્યો છે. આ મામલે બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પાર્થકુમાર ધીરૂભાઈ ચૌધરી દ્વારા ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો