કામરેજના ટીંબા ગામે તાપી નદીના બ્રિજ નીચે સ્ટંટ કરતા 13 બાઈક ડિટેઈન કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો વાઈરલ થતાં કામરેજ પોલીસ એક્શનમાં આવી હતી અને બાઈકચાલકોને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
કામરેજ તાલુકાના ટીંબા ગામે તાપી નદીના કિનારે આવેલા બ્રિજ નીચે બાઈક પર જોખમી સ્ટંટ કરતા બાઈકર્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં કામરેજ પોલીસ હરકતમાં આવી હતી. જાહેર સ્થળે જોખમી રીતે બાઈક ચલાવી લોકોની સુરક્ષા જોખમમાં મૂકતા બાઈકચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાઈક ચાલકો દ્વારા મોડીફાઇડ સાયલન્સર દ્વારા વિસ્તારમાં ઘોઘાટ ફેલાવાયો હતો. એક સાથે આશરે 13 જેટલા બાઈકર્સ મોટા અવાજે સ્ટંટ કરતા હોવાની ફરિયાદ મળી હતી. મળતી માહિતી મુજબ બે ગામના યુવકો બાઇકો સાથે કામરેજના ગળતેશ્વર તાપી નદી કિનારે ભેગા થયા હતા જ્યાં બે જૂથ વચ્ચે બાઇક સ્પર્ધા યોજી હતી. બાઇકોની નંબર પ્લેટ પર ટેપ પેટ્ટી લગાવી ઢાંકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વીડિયોના આધારે તપાસ કરી કામરેજ પોલીસે અંદાજે 13 જેટલી બાઈક ડિટેઈન કરી હતી. આ સાથે બાઈકચાલકોને પોલીસ સ્ટેશન લઈ જઈ કાન પકડાવી કાયદાનું ભાન કરાવી પાઠ ભણાવ્યો હતો.