સુરત જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ વધુ એક વખત પર્યાવરણ સાથે ચેડાં થયાની ગંભીર ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતાં અસંખ્ય માછલીઓનાં મોત થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ, પાલોદ, પીપોદરા અને મોટા બોરસરા જીઆઈડીસી નજીકથી પસાર થતી કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની આશંકા છે. જેના કારણે નદીનું પાણી બે અલગ-અલગ રંગમાં વહેંચાયેલું જોવા મળ્યું હતું. નદીના કિનારે અસંખ્ય મૃત માછલીઓ જોવા મળી રહી છે, જ્યારે કેટલીક માછલીઓ ઝેરી પાણીમાં તરફડિયાં મારતી નજરે પડી રહી છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે માત્ર જળચર જીવો જ નહીં, પરંતુ પશુપાલન અને ખેતીને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઘટનાની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમને કરવામાં આવી છે. હવે તંત્ર દ્વારા નદીના પાણીના નમૂના લઈ જવાબદારો સામે તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે માત્ર દંડ નહીં, પરંતુ કડક કાયદેસરની અને જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
સવાલ એ છે કે કીમ નદીને ઝેરી બનાવનારા તત્વો સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે ?