મારો જિલ્લો

Rivaba Jadeja visits Toyota e-Classroom bus in Surat

ગ્રામ્ય વિસ્તારના સરકારી શાળાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને ડિજિટલ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સુરત જિલ્લા પંચાયત અને ટોયોટા કિર્લોસ્કર કંપની દ્વારા કાર્યરત ‘ટોયોટા ઈ-કક્ષા બસ’ની શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી. મહુવા મામલતદાર કચેરી ખાતે વિકાસકામોની સમીક્ષા બેઠક પહેલાં તેમણે ‘ડિજિટલ ક્લાસરૂમ્સ ઓન વ્હીલ’ પહેલ હેઠળ કાર્યરત આ હરતી-ફરતી એજ્યુકેશન બસનું નિરીક્ષણ કરી તેની કામગીરી અને વિદ્યાર્થીઓને અપાતી તાલીમ અંગે તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે સંબંધિત અધિકારીઓએ મંત્રીને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ડિજિટલ શિક્ષણ અને કોમ્પ્યુટર તાલીમ મળી રહે તે માટે આ બસ સુરત જિલ્લાના પાંચ બ્લોકમાં કાર્યરત છે. દર મહિને આશરે ૧૦થી ૧૫ સરકારી શાળાના વિદ્યાર્થીઓને આ પ્રકલ્પ હેઠળ આવરી લેવામાં આવે છે. મોબાઇલ ક્લાસરૂમ તરીકે કાર્યરત આ બસમાં વિદ્યાર્થીઓને શાળાના આંગણે જ કોમ્પ્યુટર શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સંપૂર્ણ વાતાનુકૂલિત આ બસમાં એક બેચમાં ૨૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી માટે અલગ કોમ્પ્યુટરની વ્યવસ્થા છે. બે પ્રશિક્ષિત ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિદ્યાર્થીઓને મૂળભૂત કોમ્પ્યુટર કોર્સના ૧૪ ડિજિટલ પિરિયડની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત બસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, સ્માર્ટ બોર્ડ અને ધોરણ-૮ને અનુરૂપ અભ્યાસ સામગ્રીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ અપાય છે

મુલાકાત દરમિયાન મંત્રીએ આ પ્રકલ્પની શૈક્ષણિક કામગીરી અંગે જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીઓની શીખવાની પ્રગતિ માપવા તાલીમ પહેલાં વ્યક્તિગત પ્રી-અસેસમેન્ટ અને કોર્સ પૂર્ણ થયા બાદ પોસ્ટ-અસેસમેન્ટ કરવામાં આવે છે. કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ગ્રામ્ય વિદ્યાર્થીઓ સુધી આધુનિક કોમ્પ્યુટર શિક્ષણ પહોંચાડતી આ પહેલની મંત્રીએ સરાહના કરી હતી.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો