મારું શહેર

સુરતના પાલ વિસ્તારના રિઝર્વ પ્લોટ પરથી મોર્ગન ઈડલી રેસ્ટોરન્ટનું પાક્કું બાંધકામ હટાવવાનું શરૂ

સુરત મહાનગરપાલિકાના પાલ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર ૧૬ના પાલ ફાઇનલ પ્લોટ નંબર ૧૦૩ પર આવેલા રિઝર્વ પ્લોટ પર મોર્ગન ઈડલી રેસ્ટોરન્ટનું પાક્કું બાંધકામ કરી એસી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી હતી. પાલિકાની માલિકીના આ પ્લોટને સ્થાયી સમિતિના ઠરાવથી ખુલ્લો પ્લોટ તરીકે ફાળવવામાં આવ્યો હતો, છતાં તેનો કોમર્શિયલ ઉપયોગ કરી પાક્કું બાંધકામ કરવામાં આવ્યું હતું.

પૂર્વ કોર્પોરેટર ઉબાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગને ફોટોગ્રાફ્સ સાથે લેખિત રજૂઆત કરી તપાસ અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમાં રિઝર્વ પ્લોટ પર પાક્કું બાંધકામ કેવી રીતે થયું, જવાબદાર અધિકારીઓની નજર આટલા સમય સુધી કેમ ન પડી, પાલિકાની નીતિ-નિયમોનું ઉલ્લંઘન, બાંધકામનો વેરો વસૂલાતો ન હોવો તેમજ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. પશ્ચિમ ઝોનમાં અન્ય રિઝર્વ પ્લોટ્સ પર પણ પાક્કા બાંધકામો અને ઝૂંપડાં ઊભાં થયા હોવાની ફરિયાદ કરી તમામ સ્થળોની તપાસની માંગ કરાઈ હતી.

એક જાગૃત નાગરિકે માનનીય કમિશનર સાહેબને મેલ દ્વારા ફરિયાદ કરી હતી અને મીડિયાએ પણ નોંધ લીધી હતી. આ ફરિયાદને પગલે સુરત મહાનગરપાલિકાએ રિઝર્વ પ્લોટ પરથી મોર્ગન ઈડલી રેસ્ટોરન્ટનું પાક્કું બાંધકામ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

જોકે, હટાવવાની કાર્યવાહી દરમિયાન લોખંડનો ગેટ તોડી નાખવામાં આવ્યો છે, દિવાલ તોડી છે અને તેના પર લગાવેલી લોખંડની ગ્રીલ પણ તોડી નાખવામાં આવી છે. આને કારણે સુરત મહાનગરપાલિકાની મિલકતને અંદાજિત દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. નાગરિકો અને ફરિયાદીઓએ આ નુકસાન વસૂલવાની માંગ ઉઠાવી છે.

પાલિકાના ઠરાવનો અનાદર કરી રિઝર્વ પ્લોટ પર પાક્કું બાંધકામ કરવાના આ કિસ્સામાં હવે વધુ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો