મારું શહેર

वडोदરા હાઈવે હોટલ પર SMC ના દરોડા, 270 પેટી દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ દારૂના ગેરકાયદે વેપાર સામે સપાટો બોલાવી નેશનલ હાઈવે-48 પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરૂચ-વડોદરા હાઈવે પર હોટલના પાર્કિંગમાં દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 270 પેટી, જેમાં 7,560 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વાહન, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.31.50 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસ.એમ. જાડેજાની ટીમને મળેલી બાતમીના આધારે કરજણ નજીક મહાદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 270 પેટી મળી આવી હતી. દારૂની 7,560 બોટલની કિંમત રૂ.21.30 લાખ આંકવામાં આવી હતી. દારૂના જથ્થા સાથે વાહન, બે મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી રૂ.31.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

- બે આરોપીની ધરપકડ, ત્રણ વોન્ટેડ

દારૂના જથ્થા સાથે પોલીસે માનભાઈ હાજાભાઈ શિંગડ (રહે. રામેશ્વર ગામ, તા. ઉના, જિ. ગીર સોમનાથ) અને અશોક નનુભાઈ મકવાણા (રહે. કાંધી ગામ, તા. ગીરગઢડા, જિ. ગીર સોમનાથ)ને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત વાપીના સચિન ગોવિંદરાવ ઠાકરે, વડોદરા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ તેમજ સચિન ઠાકરેના કહેવાથી ખાલી ટ્રક લઈ જઈ તેમાં દારૂ ભરનાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો