ભારત

‘લૂંટની રકમ વહેંચીને લોકોને મૂર્ખ બનાવ્યા’, ભાજપ-અકાલી ગઠબંધન પર ભગવંત માનનો પ્રહાર

પંજાબમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. મોગા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત વિશાળ રેલીમાં મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચેના ગઠબંધનને લઈને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા 25 વર્ષથી આ પક્ષો એકબીજાના નામે લોકોને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. હવે બંને પક્ષો ફરી એકસાથે આવી ગયા છે.

બાદલ પરિવારને નિશાન બનાવતાં ભગવંત માને કહ્યું, "25 વર્ષ રાજ કરવાની વાત કરનારાઓ પાસે આજે 25 માણસો પણ નથી. તેમનું ગઠબંધન ભાજપ સાથે છે, પરંતુ મારું ગઠબંધન પંજાબની જનતા સાથે છે." વિપક્ષ પર પ્રહાર કરતાં મુખ્યમંત્રી માને કહ્યું કે તેઓ લાંબાં ભાષણો આપવા માગતા નથી, પરંતુ લોકો વચ્ચે થતી ચર્ચાના મુદ્દાઓ પર જવાબ માગવા માગે છે. તેમણે પંજાબની અગાઉની સરકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 1997થી 2002 સુધી પ્રકાશ સિંહ બાદલની સરકાર હતી, જેમાં સુખબીર બાદલ પણ સામેલ હતા. ત્યારબાદ 2002થી 2007 સુધી કેપ્ટન અમરિંદર સિંહની સરકાર રહી હતી. 2007થી 2017 દરમિયાન ફરી પ્રકાશ સિંહ બાદલ અને ભાજપની સરકાર હતી, જેમાં સુખબીર બાદલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

માનના આરોપ મુજબ, આ જ સમયગાળા દરમિયાન પંજાબમાં નશાનો વેપાર ફેલાયો અને મજીઠિયા જેવા લોકો સામે આવ્યા. આ દરમિયાન ગેંગસ્ટરવાદમાં પણ વધારો થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે 2017થી 2022 સુધી ફરી કેપ્ટન અમરિંદર સિંહની સરકાર રહી હતી. વર્ષ 2022માં પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સત્તા સોંપી હતી. ભગવંત માને કહ્યું કે છેલ્લા 25 વર્ષથી રાજકીય પક્ષો લોકોને એકબીજાની સામે ઊભા કરતા રહ્યા છે. તેના કારણે લોકો વચ્ચેના સામાજિક સંબંધો પણ બગડ્યા છે. એકબીજાના લગ્નપ્રસંગો અને સુખ-દુઃખમાં જવાનું પણ લોકોએ બંધ કરી દીધું હતું. અલગ-અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો વચ્ચે સામાન્ય સંબંધો પણ રહ્યા નહોતા. તેમણે 8 ડિસેમ્બરે યોજાનારી રેલીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ આવશે. આ રેલીના મંચ પર નરેન્દ્ર મોદી, અમિત શાહ, મજીઠિયા, સુખબીર બાદલ, કેપ્ટન અમરિંદર સિંહ, સુનીલ જાખડ, રવનીત બિટ્ટુ, કેવલ ધિલ્લોન, અશ્વની કુમાર, તરુણ ચુઘ સહિતના નેતાઓ એકસાથે જોવા મળશે. માને કટાક્ષ કરતાં કહ્યું કે જે નેતાઓ એકબીજાની સામે નિવેદનો આપતા હતા, તેઓ હવે એક જ મંચ પર બેસશે.

ભાજપ અને અકાલી દળ આગામી ચૂંટણી સાથે મળીને લડશે તેવા સંકેતો વચ્ચે માને બંને પક્ષોની ભૂતકાળની ભૂમિકાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સુખબીર બાદલ અગાઉ ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કૃષિ કાયદાઓને ખેડૂત વિરોધી ગણાવતા હતા. જોકે, શરૂઆતના ત્રણ મહિના સુધી અકાલી દળના નેતાઓ આ કાયદાઓનાં વખાણ કરતા રહ્યા હતા. બાદલ તરફથી પણ વીડિયો જાહેર કરીને આ કાયદાઓને સારા ગણાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, જ્યારે ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું અને મામલાની ગંભીરતા સમજાઈ ત્યારે હરિસિમરત કૌર બાદલ પાસે કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું અપાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અકાલી દળે આ કાયદાઓનો વિરોધ શરૂ કર્યો હતો.

માને ભાજપના નશા વિરોધી અભિયાન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ એક તરફ પંજાબમાંથી નશાનો વેપાર ખતમ કરવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ મજીઠિયા સાથેના નેતાઓના ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં નશો કેવી રીતે નાબૂદ થશે? તેમણે દાવો કર્યો કે મજીઠિયાની ધરપકડ આમ આદમી પાર્ટીની સરકારે જ કરી છે. સાથે જ પંજાબની જનતાને અપીલ કરતાં કહ્યું કે રાજ્ય મુશ્કેલીથી ફરી યોગ્ય દિશામાં આગળ વધ્યું છે, ત્યારે તેને ફરી પાટા પરથી ઉતરવા દેવું જોઈએ નહીં. મુખ્યમંત્રીએ સરકારની કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે રાજ્યમાં 24 કલાક વીજળી મળી રહી છે અને મહિલાઓને નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો