મારું શહેર

વડોદરા સમાચાર: બજાણિયા आवासમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓથી હાલાકી

એક તરફ વડોદરાને 'સ્માર્ટ સિટી' બનાવવાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ શહેરના વોર્ડ નંબર ૧૭ માં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજના એટલે કે બજાણિયા આવાસમાં રહેતા રહીશો પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કબીર કોમ્પ્લેક્સ અને મણિનગર સોસાયટીની પાછળ આવેલા આ આવાસમાં સ્થાનિકોના આક્ષેપ મુજબ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.

​બજાણિયા આવાસમાં હાલ ગંદા પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એપાર્ટમેન્ટનું ગંદું પાણી અહીં એકત્રિત થતું હોવાથી ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. આ ગંદકીની વચ્ચે જ નાના બાળકો રમતા અને અભ્યાસ કરતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર રોગચાળાનું ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે.

​આ ઉપરાંત, અહીંના સ્લેબ અને રસ્તાના કામમાં પણ ભારે બેદરકારી સામે આવી છે. બાંધકામમાં વપરાયેલા લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે, જેને ઢાંકવા માટે તંત્ર દ્વારા ઉપરછલું સિમેન્ટ કોંક્રીટ નાખવામાં આવ્યું છે. યોગ્ય લેવલિંગ વિના સિમેન્ટ નાખવાના કારણે રસ્તો ઊંચો-નીચો થઈ ગયો છે, જેના પરિણામે અહીં કાયમી ધોરણે પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ છે અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

​સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેશનનો સ્વચ્છતા વિભાગ કે સ્થાનિક કાઉન્સિલર ફરકતા પણ નથી. તંત્રની આ બેદરકારી સામે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે ગંદા પાણીનો નિકાલ કરી રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો