વડોદરા નજીક જરોદ બસ સ્ટેશન પાસેથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. પ્રાથમિક માહિતી મુજબ, આસામના વતની અને આશરે 24 વર્ષીય સહરુલ ઈસ્લામ નામના શંકાસ્પદ શખ્સ પાસેથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ શખ્સનો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત સંપર્ક હોવાની તેમજ વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકી કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
આ મામલામાં શંકાસ્પદ શખ્સ મિલન હોટલમાં રોકાયો હોવાની ચર્ચાઓ સામે આવતા હોટલના સંચાલક ઈર્શાદ અલી મુસ્તાક અલી સૈયદે સ્પષ્ટતા કરી છે કે તેમના ત્યાં આ શખ્સ રોકાયો હોવાની કોઈ એન્ટ્રી નથી અને તે નામનો કોઈ વ્યક્તિ ત્યાંથી મળી આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના સમયે ATSની ટીમ રૂટીન ચેકિંગ માટે હોટલ પર આવી હતી અને ગ્રાહકોની નોંધણી, આઈડી, પથિક રેકોર્ડ, રજિસ્ટર તથા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. હોટલ માલિક ઈર્શાદ અલી સૈયદના જણાવ્યા મુજબ, એટીએસની ટીમે છેલ્લા 10 દિવસના રેકોર્ડ અને આઈડી વિગતો લીધી હતી તેમજ છેલ્લા ચાર દિવસ અંગે ખાસ પૂછપરછ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે તેમની આ એક જ ફેમિલી હોટલ છે, જ્યાં કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નથી અને તપાસ દરમિયાન હોટલમાંથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યાનું તેમને જણાવાયું નથી. આગામી તપાસમાં પણ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની તેમણે ખાતરી આપી છે. બીજી તરફ, પકડાયેલા શખ્સના અન્ય સંપર્કો, હથિયારો ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાના હતા તેમજ ગુજરાતમાં કોઈ નેટવર્ક સક્રિય છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરાઈ છે. વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને અમદાવાદ લઈ જવાયો હોવાની વિગતો છે.