શિક્ષણ/કારકિર્દી

विद्यार्थीઓ માટે મફત ઓનલાઇન કોર્સ: SWAYAM થી Coursera સુધી શીખો સ્કિલ્

એક સમય હતો જ્યારે નવી બાબત શીખવા માટે કોચિંગ ક્લાસ કે તાલીમ સંસ્થામાં જવું પડતું હતું. પરંતુ ડિજિટલ શિક્ષણના વિકાસથી હવે અભ્યાસની દુનિયા બદલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠાં પોતાની પસંદગીના વિષયમાં અભ્યાસ કરી શકે છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપરાંત નોકરી શોધતા યુવાનો અને નોકરી કરતા લોકો પણ પોતાની કુશળતા વધારવા માટે આ પ્લેટફોર્મનો લાભ લઈ શકે છે.

1. SWAYAM : ભારત સરકારનું મફત શિક્ષણ પ્લેટફોર્મ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું 'SWAYAM' પ્લેટફોર્મ ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવે છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ભાષા, મેનેજમેન્ટ, કાયદા અને ટેક્નોલોજી જેવા વિષયોનો સમાવેશ થાય છે. અહીં વીડિયો લેક્ચર, વાંચન સામગ્રી, ક્વિઝ અને ચર્ચા માટેની સુવિધા મળે છે. કોર્સનો અભ્યાસ મફત છે, જોકે સત્તાવાર સર્ટિફિકેટ મેળવવા માટે નિર્ધારિત પરીક્ષા આપવી પડે છે અને તેની ફી ચૂકવવી પડે છે.

2. NPTEL : IIT અને IIScના નિષ્ણાતો પાસેથી શીખવાની તક

'National Programme on Technology Enhanced Learning' એટલે કે NPTEL, IIT અને IIScની પહેલ છે. અહીં એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, ગણિત, વિજ્ઞાન અને મેનેજમેન્ટ જેવા વિષયોના કોર્સ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ચાર, આઠ અને બાર અઠવાડિયાના કોર્સ હોય છે. અભ્યાસ અને અસાઇનમેન્ટ મફતમાં કરી શકાય છે. પ્રમાણપત્ર મેળવવા માટે વૈકલ્પિક પરીક્ષા આપવી પડે છે, જેની ફી સામાન્ય રીતે અલગ હોય છે.

3. Coursera : વિશ્વની યુનિવર્સિટીઓના કોર્સ

વિદેશી યુનિવર્સિટીઓ અને જાણીતી કંપનીઓના અભ્યાસક્રમો કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 'Coursera' ઉપયોગી પ્લેટફોર્મ છે. અહીં Google, IBM અને વિવિધ યુનિવર્સિટીઓના ડેટા સાયન્સ, બિઝનેસ, ડિજિટલ માર્કેટિંગ અને AI જેવા વિષયોના કોર્સ મળે છે. કેટલાક કોર્સમાં મફત ઓડિટ અથવા મફત શીખવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમાં તમામ સુવિધાઓ કે સર્ટિફિકેટનો સમાવેશ જરૂરી નથી. સર્ટિફિકેટ માટે સામાન્ય રીતે ફી ચૂકવવી પડે છે.

4. DIKSHA : શાળાના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણ

શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે 'DIKSHA' પ્લેટફોર્મ ઉપયોગી છે. શિક્ષણ મંત્રાલયની આ પહેલમાં ધોરણ પ્રમાણે અભ્યાસ સામગ્રી, વીડિયો, ઇન્ટરેક્ટિવ ક્વિઝ અને શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ છે. ખાસ કરીને NCERTના અભ્યાસક્રમ સાથે જોડાયેલી સામગ્રી વિદ્યાર્થીઓને શાળાના વિષયો સમજવામાં મદદ કરી શકે છે.

5. Khan Academy : ગણિત અને વિજ્ઞાન સરળતાથી શીખો

'Khan Academy' એક નોન-પ્રોફિટ શૈક્ષણિક પ્લેટફોર્મ છે, જ્યાં ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોના મફત વીડિયો પાઠ તથા પ્રેક્ટિસ એક્સરસાઇઝ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે અને સમજવામાં મુશ્કેલી પડતા વિષયનું પુનરાવર્તન કરી શકે છે.

6. Skill India Digital Hub (SIDH) : જોબ-રેડી સ્કિલ્સ અને સરકારી સર્ટિફિકેટ

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયનું 'Skill India Digital Hub' પ્લેટફોર્મ ખાસ કરીને રોજગારલક્ષી અને વ્યવસાયલક્ષી કૌશલ્યો માટે ઉપયોગી છે. અહીં AI, સાયબર સિક્યોરિટી, ડિજિટલ માર્કેટિંગ અને વિવિધ વોકેશનલ વિષયોના મફત ઓનલાઇન કોર્સ ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ સરકાર માન્ય ડિજિટલ સર્ટિફિકેટની સાથે નોકરી અને એપ્રેન્ટિસશિપની તકો શોધવાની સુવિધા પણ મળે છે.

કોર્સ પસંદ કરતાં પહેલાં આ બાબતો તપાસો

ઓનલાઇન કોર્સ શરૂ કરતાં પહેલાં તેની વિશ્વસનીયતા, અભ્યાસક્રમ, સમયગાળો અને શીખવતી સંસ્થાની માહિતી તપાસવી જોઈએ. ખાસ કરીને 'ફ્રી કોર્સ' અને 'ફ્રી સર્ટિફિકેટ' વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. Coursera જેવા પ્લેટફોર્મ પર ઘણા કોર્સમાં માત્ર શરૂઆતનો ભાગ મફત જોવા મળે છે, જ્યારે સંપૂર્ણ કોર્સ અથવા સર્ટિફિકેટ માટે ફી ચૂકવવી પડી શકે છે. કેટલાક કોર્સમાં નાણાકીય સહાયનો વિકલ્પ પણ હોય છે.

આ ઉપરાંત, એકસાથે અનેક કોર્સ શરૂ કરવાને બદલે પોતાની કારકિર્દીના લક્ષ્યને અનુરૂપ એક કે બે કોર્સ પસંદ કરવા જોઈએ. નિયમિત અભ્યાસ, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ અને શીખેલી બાબતોનો ઉપયોગ કરવાથી જ ઓનલાઇન શિક્ષણનો સાચો લાભ મળે છે.

આખરે, શિક્ષણ મેળવવા માટે હવે માત્ર કોલેજ કે કોચિંગ ક્લાસ પર આધાર રાખવાની જરૂર નથી. યોગ્ય ઇન્ટરનેટ સુવિધા અને શીખવાની ઇચ્છા હોય તો ઘરેથી પણ નવી કુશળતા વિકસાવી શકાય છે. સવાલ એ નથી કે મફતમાં શું શીખી શકાય છે, પરંતુ ઉપલબ્ધ તકોમાંથી આપણે ખરેખર કેટલું શીખવા તૈયાર છીએ?


ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો