માંડવી-175 વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત 72 કલાકના પ્રવાસ કાર્યક્રમના પ્રારંભે રાજ્યના મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ માંડવી તાલુકાના વરેઠ ગામે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. પ્રવાસ દરમિયાન મંત્રીએ માંડવી ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે તેમણે બિરસા મુંડાના રાષ્ટ્રપ્રેમ, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના યોગદાનને યાદ કર્યા હતા. ત્યારબાદ તેમણે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીય બંધારણના ઘડવૈયાને ભાવાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિત પટેલ સહિતના આગેવાનો, સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.