ભારત

મહારાષ્ટ્રમાં ઓવરટેક કરતી વખતે પોલીસ વાહન બેકાબૂ બન્યું, ત્રણ કિશોરોએ જીવ ગુમાવ્યા

મહારાષ્ટ્રના ગોંડિયા જિલ્લામાં પોલીસના 112 ઇમરજન્સી વાહને મોટરસાઇકલને ટક્કર મારતાં ત્રણ કિશોરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ અકસ્માત બુધવારે રાત્રે ગોંડિયા-તિરોડા રોડ પર દાંડેગાંવ બસ સ્ટેન્ડ નજીક ગંગાઝરી પોલીસ સ્ટેશનની હદમાં થયો હતો. મૃતકોની ઓળખ કાર્તિક બ્રિજલાલ બિસેન (14), શિવપ્રસાદ કાંબલે (16) અને જિતેન્દ્ર બાવનકર (16) તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરો એકોડીથી ગંગાઝરી તરફ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસનું 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) વાહન પૂરઝડપે આવી રહ્યું હતું. ટિપર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વાહનચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી મોટરસાઇકલ સાથે સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલ પર સવાર ત્રણેય કિશોરોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

અકસ્મતાની ગંભીરતા અને સ્થાનિક લોકોના રોષને ધ્યાનમાં રાખીને ગુરુવારે ગંગાઝરી વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. એડિશનલ એસપી અભય ડોંગરેના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પગલાં લેવામાં આવ્યાં હતાં. જિલ્લાના પોલીસ અધિક્ષક ગોરખ ભામરેએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક ધારાસભ્ય વિનોદ અગ્રવાલે મૃતકોનાં પરિવારજનોને સરકાર તરફથી આર્થિક સહાય અપાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ, અકસ્માત સર્જનાર પોલીસ વાહનના ચાલક અમિત માહુલે સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને બેદરકારીથી મૃત્યુ નિપજાવવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો