ભારત

વર્ષના અંતિમ મહિનામાં બદલાશે આ 5 નિયમો, જાણો તમારા બજેટ પર કેવી અસર પડશે

વર્ષના અંતિમ મહિનામાં બદલાશે આ 5 નિયમો, જાણો તમારા બજેટ પર કેવી અસર પડશે

નવેમ્બર મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને 1 ડિસેમ્બર, 2026થી વર્ષના અંતિમ મહિનાની શરૂઆત સાથે જ અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ઘરખર્ચના બજેટ, કાર ખરીદવાના ખર્ચ, ક્રેડિટ કાર્ડના ઉપયોગ તેમજ વેપારીઓ અને રોકાણકારો પર પડી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડના ચાર્જ અને GST રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા સુધીના પાંચ મહત્ત્વપૂર્ણ ફેરફારો વિશે જાણીએ.

દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આ વખતે પણ 1 ડિસેમ્બર, 2026ના રોજ ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થવાની શક્યતા છે. ભાવમાં થનારા ફેરફારની અસર ઘરેલુ રસોડાથી લઈને હોટલ અને રેસ્ટોરન્ટના ખર્ચ પર પડી શકે છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે, જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. આ ઉપરાંત હવાઈ મુસાફરીના ખર્ચને અસર કરતું વિમાન ઇંધણ એટલે કે એટીએફ (ATF)ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

1 ડિસેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડધારકો માટે પણ નવા નિયમો અમલમાં આવશે. બેંકે 27 ઑક્ટોબરના રોજ આ અંગેની જાણકારી આપી હતી. નવા નિયમો અનુસાર, ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં રૂ. 30 હજારથી વધુના વ્યવહારો અને રૂ. 50 હજારના ફ્યુઅલ ખર્ચ પર 1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. એટલે કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખર્ચ કરતા કાર્ડધારકોએ વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ફેરફારને કારણે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકોએ પોતાના ખર્ચનું આયોજન નવા નિયમો પ્રમાણે કરવું પડશે.

ડિસેમ્બરમાં નવી કાર ખરીદવાનું આયોજન કરતા લોકોના બજેટ પર પણ અસર પડી શકે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે 24 નવેમ્બરના રોજ કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ પ્રમાણે કારની કિંમતોમાં 0.5 ટકા સુધીનો વધારો થઈ શકે છે. આ ભાવવધારો પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક સહિતની કાર પર લાગુ થવાનો છે. તેથી નવી કાર ખરીદવા ઇચ્છતા ગ્રાહકોએ ડિસેમ્બરથી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.

કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે પણ 1 ડિસેમ્બરથી માર્જિનના નવા નિયમો અમલમાં આવશે. સેબી (SEBI) દ્વારા કોમોડિટીના ભાવમાં થતી વધઘટના આધારે શરૂઆતનું માર્જિન નક્કી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કોમોડિટીને ભાવની વધઘટના આધારે ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવી છે. ઓછી વધઘટ ધરાવતી કોમોડિટી માટે 6 ટકા, મધ્યમ વધઘટ ધરાવતી કોમોડિટી માટે 8 ટકા અને વધુ વધઘટ ધરાવતી કોમોડિટી માટે 10 ટકા માર્જિન રાખવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે કોમોડિટી ટ્રેડિંગ કરતા રોકાણકારોએ પોતાની ટ્રેડિંગ મૂડીનું આયોજન નવા નિયમો પ્રમાણે કરવું પડશે.

આ ઉપરાંત 1 ડિસેમ્બરથી GST રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ સેન્ટ્રલ GST નિયમો, 2017માં સુધારો કર્યો છે. આ અંગે 25 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. નવા નિયમો અનુસાર, GST રજિસ્ટ્રેશન રદ કરવાની પાત્ર અરજીઓ પર GST કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક રીતે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, જે વેપારીઓનાં રિટર્ન બાકી હશે અથવા જેમની પાસે GSTની બાકી રકમ હશે, તેમની અરજીઓ તપાસ માટે સંબંધિત અધિકારીને મોકલવામાં આવશે. આ ફેરફારથી GST રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવશે. ખાસ કરીને વેપારીઓ અને GST રજિસ્ટ્રેશન ધરાવતા કરદાતાઓએ આ નવા નિયમોનું ધ્યાન રાખવું પડશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો