મારું શહેર

સુરતમાં આવકવેરાની મોટી કાર્યવાહી, અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમના ઠેકાણે તપાસ

સુરતના ઔદ્યોગિક વર્તુળમાં આજે સવારથી જ ચર્ચાનો વિષય બનેલી ઘટના બની છે. આવકવેરા વિભાગની તપાસ પાંખે મુંબઈ અને સુરતની ટીમ સાથે મળીને મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશનમાં મુંબઈ ખાતે નોંધાયેલી અને સુરતમાં ધંધો કરતી બે કંપનીઓ અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમને નિશાન બનાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ કાર્યવાહીમાં બંને શહેરોના મળીને 80 કરતાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. વહેલી સવારથી જ જુદી જુદી ટીમોએ એકસાથે અનેક સ્થળોએ તપાસ શરૂ કરી દીધી હતી. આ તપાસ અંતર્ગત અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના રહેઠાણ, મુંબઈ સ્થિત કોર્પોરેટ કાર્યાલય ઉપરાંત બંને કંપનીઓ સાથે સંકળાયેલા અન્ય વેપારી સ્થળોએ પણ અધિકારીઓ પહોંચ્યા છે.

તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા હિસાબી દસ્તાવેજો, કોમ્પ્યુટર અને ડિજિટલ રેકોર્ડ, બેંકના વ્યવહારો અને અન્ય મહત્વના કાગળોની બારીક તપાસ કરવામાં આવી રહી છે. આ સર્ચ પૂર્ણ થયા બાદ જ કેટલી રકમની કરચોરી કે બેનામી વ્યવહારો સામે આવ્યા તે અંગે સ્પષ્ટ ચિત્ર મળશે. હાલ ઉદ્યોગ જગતમાં આ કાર્યવાહીને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો