થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ગુરુવારે બેંગચક તેલ ડેપોમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ બાદ ડેપોમાંથી આગની ઊંચી જ્વાળાઓ ઊઠવા લાગી હતી અને સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવદળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ સાવચેતીનાં પગલાં લીધાં હતાં. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપવામાં આવી હતી. આ માટે લોકોને મોબાઇલ ફોન પર એલર્ટ સંદેશા પણ મોકલવામાં આવ્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ અને બચાવદળની ટીમોએ આસપાસની શાળાઓમાંથી બાળકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ થોડા સમય માટે કામગીરી સ્થગિત કરી દીધી હતી. એક કલાકથી ઓછા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બેંગચક કંપનીએ પણ સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. બેંગચક તેલ પ્લાન્ટ બેંગકોકના પૂર્વ ભાગમાં આવેલા ફ્રા-ખાનૉંગ વિસ્તારમાં સ્થિત છે. તેનું સંચાલન થાઈલેન્ડની મોટી ઊર્જા કંપની બેંગચક કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં કાચા તેલનું શુદ્ધીકરણ કરવાની સાથે તેનો સંગ્રહ પણ કરવામાં આવે છે. આ રિફાઇનરીમાં દરરોજ 1.20 લાખ બેરલ કાચા તેલનું શુદ્ધીકરણ કરવાની ક્ષમતા છે. તે થાઈલેન્ડની પાંચમી સૌથી મોટી રિફાઇનરી છે. તેની વિશેષતા એ છે કે દેશની મોટી રિફાઇનરીઓમાં આ એકમાત્ર એવી રિફાઇનરી છે, જે શહેરની અંદર આવેલી છે.