ભારતમાં આકર્ષક પગાર અને સારી નોકરીની લાલચ આપીને વિદેશી નાગરિકો પાસે તેમના જ દેશના લોકોને સાયબર છેતરપિંડી કરાવતા આંતરરાષ્ટ્રીય રેકેટનો દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં સેક્ટર-136 સ્થિત એક પરિસરમાં દરોડો પાડીને પોલીસે 92 ઈન્ડોનેશિયન અને 72 મલેશિયન સહિત કુલ 164 વિદેશી નાગરિકોને મુક્ત કરાવ્યા છે. આ મામલે પોલીસે મલેશિયાના નેગેરી સેમ્બિલાનના રહેવાસી 25 વર્ષીય તાન ગુઆન વેઈની ધરપકડ કરી છે, જ્યારે નેટવર્કના બે મુખ્ય સૂત્રધારો ફરાર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સિન્ડિકેટ ખાસ કરીને ઈન્ડોનેશિયા અને મલેશિયાના યુવાનોને ભારતમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને બોલાવતું હતું. જોકે, ભારત પહોંચ્યા બાદ તેમના પાસપોર્ટ લઈ લેવામાં આવતા હતા અને તેમને બહાર જવાની છૂટ આપવામાં આવતી નહોતી. ત્યારબાદ તેમની પાસે સાયબર ફ્રોડ કોલ સેન્ટર મારફતે તેમના જ દેશના નાગરિકોને નિશાન બનાવીને નકલી રોકાણ યોજનાઓમાં ફસાવવાનું કામ કરાવવામાં આવતું હતું.
બચાવાયેલા વિદેશી નાગરિકોને નોઈડાના અલગ-અલગ પેઈંગ ગેસ્ટ (PG) રહેઠાણોમાં રાખવામાં આવ્યા હતા. અહીં તેમને હલકી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવતો હતો અને બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર કામગીરીમાં જોડાવાનો ઈનકાર કરનારા લોકો સાથે મારપીટ કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં ઓછામાં ઓછા બે વિદેશી નાગરિકો પર શારીરિક હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. તેમની હિલચાલ પર નજર રાખવા માટે હેન્ડલર્સે આશરે 40 કેબનો કાફલો તૈનાત કર્યો હતો. આ વાહનો દ્વારા તેમને રહેઠાણથી કોલ સેન્ટર સુધી લાવવા-લઈ જવામાં આવતા હતા.
આ વિદેશી નાગરિકોને ઈન્ડોનેશિયા અને મલેશિયાના લોકોને છેતરવા માટે ખાસ તાલીમ આપવામાં આવતી હતી. તેમને લેખિત સ્ક્રિપ્ટ પણ આપવામાં આવતી હતી. તેઓ સોશિયલ મીડિયા પર મહિલાઓના નામે નકલી પ્રોફાઈલ બનાવીને લોકોને મિત્રતાની જાળમાં ફસાવતા હતા. વિશ્વાસ કેળવ્યા બાદ ઊંચા વળતરની લાલચ આપીને નકલી વેબસાઈટ અને APK આધારિત એપ્લિકેશન મારફતે રોકાણ કરાવવામાં આવતું હતું. આ રીતે લોકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા.
સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ બ્રાન્ચ) એચ.જી.એસ. ધાલીવાલે જણાવ્યું હતું કે આશરે એક અઠવાડિયા પહેલાં ક્રાઈમ બ્રાન્ચને આ રેકેટ અંગે ઈ-મેલ મારફતે ચેતવણી મળી હતી. ત્યારબાદ વિશેષ ટીમ બનાવી ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી. શરૂઆતમાં 60થી 70 વિદેશી નાગરિકો આ રેકેટમાં ફસાયા હોવાની આશંકા હતી, પરંતુ દરોડા દરમિયાન કુલ 164 લોકો મળી આવ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન મોટો જથ્થો ઇલેક્ટ્રોનિક સાધનો અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેમાં 174 પાસપોર્ટનો સમાવેશ થાય છે, જેમાં 95 ઈન્ડોનેશિયન અને 79 મલેશિયન નાગરિકોના પાસપોર્ટ છે. આ ઉપરાંત 355 મોબાઈલ ફોન, જેમાં 335 વપરાયેલા અને 20 નવા સીલબંધ ફોનનો સમાવેશ થાય છે, 168 ડેસ્કટોપ કમ્પ્યુટર, 26 લેપટોપ, 53 સિમ કાર્ડ અને સર્વર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. 53 સિમ કાર્ડમાંથી 31 આંતરરાષ્ટ્રીય અને 22 ભારતીય છે.
આ રેકેટની મુખ્ય કડી ગણાતા સુનિલ કુમાર અને સુશીલ ભાટી હાલ ફરાર છે. સુશીલ ભાટી પીજી રહેઠાણો અને વાહનોની વ્યવસ્થા સંભાળતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં દરોડા પાડી રહી છે. આ ઉપરાંત તેમના બેંક ખાતાઓની નાણાકીય લેવડદેવડની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય નાગરિકોને પણ આવી જ રીતે સારી નોકરીની લાલચ આપીને કંબોડિયા, મ્યાનમાર, વિયેતનામ અને લાઓસ જેવા દેશોમાં લઈ જવામાં આવતા હતા. ત્યાં તેમને સાયબર કૌભાંડ કેન્દ્રોમાં કામ કરવા મજબૂર કરવામાં આવતા હતા. સરકારી આંકડા મુજબ, 2022થી 2025 દરમિયાન ભારતીય મિશનોએ કંબોડિયામાંથી 2,533, લાઓ પીડીઆરમાંથી 2,297 અને મ્યાનમારમાંથી 2,168 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એકલા 2025માં જ કંબોડિયામાંથી 1,300, લાઓ પીડીઆરમાંથી 1,421 અને મ્યાનમારમાંથી 1,594 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા.