ગર્ભમાં જ બાળકની ગંભીર બીમારીઓ અને જન્મજાત ખોડખાંપણની ઓળખ કરી શકાય અને જન્મ પહેલાં જ પરિવારને યોગ્ય તબીબી માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકાર મહત્વપૂર્ણ પહેલ કરવાની તૈયારી કરી રહી છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિક્સમાં ગર્ભસ્થ શિશુની તપાસ એટલે કે પ્રિનેટલ સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરવામાં આવી છે. આ દરખાસ્ત અમલમાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન શિશુની આરોગ્ય સ્થિતિની તપાસ આરોગ્ય વ્યવસ્થાનો મહત્ત્વનો હિસ્સો બની શકે છે.
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (SJE)ની ભલામણ બાદ ગુજરાત સરકારે આ દિશામાં તૈયારી શરૂ કરી હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યાં છે. જન્મજાત ખોડખાંપણની વહેલી ઓળખ માટે કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને સક્રિય સ્ક્રીનિંગની સલાહ આપવામાં આવી છે. આ અંગે અમલીકરણની ચર્ચા માટે તાજેતરમાં તમામ રાજ્યોના અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. ગુજરાતમાં યોજાયેલી રાજ્યસ્તરની ચિંતન શિબિરમાં પણ આ દરખાસ્ત ચર્ચાનો વિષય બની હતી.
યોજનાના અમલીકરણમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આરોગ્ય વિભાગ સંયુક્ત કામગીરી કરશે. સામાજિક ન્યાય વિભાગ દેખરેખ રાખશે, જ્યારે આરોગ્ય વિભાગ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં નિયમોનું પાલન કરાવશે. ગંભીર ખોડખાંપણ જણાય તેવા કિસ્સામાં નિષ્ણાત તબીબોની સલાહ, તબીબી નિદાન અને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ તથા સમયમર્યાદાને આધારે ગર્ભાવસ્થા ચાલુ રાખવા કે અન્ય તબીબી વિકલ્પો અંગે નિર્ણય લઈ શકાશે.
જન્મજાત હૃદયરોગ અને સેરેબ્રલ પાલ્સી પર વિશેષ ધ્યાન
આ પહેલમાં જન્મજાત હૃદયરોગ, સેરેબ્રલ પાલ્સી સહિતની ગંભીર આરોગ્ય સમસ્યાઓની વહેલી ઓળખ પર ભાર મૂકવામાં આવશે. આવી બીમારીઓ ધરાવતાં બાળકોને લાંબા સમય સુધી સારવાર, વિશેષ સંભાળ અને આર્થિક સહાયની જરૂર પડી શકે છે. સમયસર નિદાનથી પરિવારને તબીબી માર્ગદર્શન અને સારવારનું આયોજન કરવામાં મદદ મળશે.
જન્મજાત બીમારીઓની લાંબા ગાળાની સારવારનો ખર્ચ અને પૂરતું વીમાકવચ ન મળવાથી પરિવારો પર આર્થિક-સામાજિક ભારણ વધતું હોય છે. જોકે, ગર્ભસ્થ શિશુની તપાસ ફરજિયાત બનાવવાની દરખાસ્ત હાલ વિચારણા હેઠળ છે. સરકારનો અંતિમ નિર્ણય અને અમલીકરણના નિયમો જાહેર થયા બાદ જ તેની વાસ્તવિક રૂપરેખા સ્પષ્ટ થશે.