સુરત મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલા રિઝર્વ પ્લોટને ફટાકડા વેચવા માટે બારડોલી સહકારી મંડળીને ફાળવવામાં આવ્યો હતો. જોકે, વેચાણના કામકાજ પૂરા થયા બાદ આ રિઝર્વ પ્લોટમાં પ્લાસ્ટિક વેસ્ટના મોટા ઢગલા, ગંદો કચરો અને ગોબરો છોડીને મંડળીએ વિસ્તાર ખાલી કરી દીધો છે. સાફ-સફાઈની જવાબદારી મંડળીની હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નથી. આ સ્થિતિને લઈને માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે સુરત મહાનગરપાલિકાના માનનીય કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રિઝર્વ પ્લોટને અસ્થાયી રૂપે ફટાકડા વેચાણ માટે આપવામાં આવ્યો હતો. નીતિ-નિયમ મુજબ વેચાણ પૂર્ણ થયા બાદ પ્લોટને સંપૂર્ણ સ્વચ્છ અને મૂળ સ્થિતિમાં પરત કરવાની જવાબદારી મંડળીની હતી. પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. પ્લાસ્ટિકના કચરાના ઢગલા, ગંદકી અને અન્ય કચરો છોડીને મંડળી વિસ્તાર છોડી ગઈ છે. વધુમાં, પ્લોટમાં આવેલા વૃક્ષોનું પણ નિકંદન કરવામાં આવ્યું છે, જે પર્યાવરણ અને નાગરિક હિતની વિરુદ્ધ છે.
માજી કોર્પોરેટરે પ્રશ્ન ઉઠાવ્યો છે કે હવે આ સાફ-સફાઈ કોણ કરશે? નગરપાલિકાના નિયમો મુજબ આવા કેસમાં પેનલ્ટી વસૂલવાની જોગવાઈ છે. તેમણે માંગ કરી છે કે બારડોલી સહકારી મંડળી પાસેથી યોગ્ય પેનલ્ટી વસૂલ કરવામાં આવે, તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. રિઝર્વ પ્લોટ જેવી જાહેર જમીનનો દુરુપયોગ અને તેને ગંદી સ્થિતિમાં છોડી દેવું એ નાગરિકો અને વહીવટ માટે ગંભીર બાબત છે.
ઉષાબેન પટેલે કમિશનરને વિનંતી કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરાવીને પ્લોટની સાફ-સફાઈ કરાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન વારંવાર ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે. રાંદેર વિસ્તારના રહીશોમાં આ ઘટના અંગે નારાજગી વ્યક્ત થઈ રહી છે. નગરપાલિકા તરફથી આ રજૂઆત પર કેવી કાર્યવાહી થાય છે તેની રાહ જોવાઈ રહી છે.