ભારત

ભારત અને UAE હવે સાથે બનાવશે નેક્સ્ટ જનરેશનનાં હથિયારો, AI-સાયબર સુરક્ષામાં પણ સહયોગ

પશ્ચિમ એશિયામાં બદલાતા રાજકીય અને સુરક્ષાના સમીકરણો વચ્ચે ભારત અને સંયુક્ત આરબ અમિરાત (UAE)એ પોતાના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. 26 નવેમ્બરે અબુ ધાબીમાં યોજાયેલી ભારત-UAEની 14મી સંયુક્ત સંરક્ષણ સહયોગ સમિતિ (JDCC)ની બેઠકમાં બંને દેશો નેક્સ્ટ જનરેશનનાં સંરક્ષણ ઉપકરણો અને આધુનિક હથિયારોના સંયુક્ત વિકાસ તથા ઉત્પાદનને ઝડપી બનાવવા સંમત થયા હતા. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, આધુનિક ટેક્નોલોજી, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પણ નિર્ણય લેવાયો હતો.

પશ્ચિમ એશિયામાં મક્કા સંયુક્ત સંરક્ષણ કરારની ચર્ચા વચ્ચે ભારત અને UAEની આ બેઠકનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી ગયું છે. જોકે, મક્કા કરાર અને ભારત-UAEની સંરક્ષણ ભાગીદારી અલગ બાબતો છે. મક્કા કરાર પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેનો સંરક્ષણ કરાર છે, જ્યારે ભારત અને UAE વચ્ચેની ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોના આધારે આગળ વધી રહી છે.

અબુ ધાબીમાં યોજાયેલી 14મી JDCC બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને UAEના સંરક્ષણ મંત્રાલયના અંડર સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ નાસિર એમ. અલ અલાવીએ કરી હતી. બેઠકમાં પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ અને હાલના જટિલ સુરક્ષા માહોલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન નક્કી કરાયેલા 'ઇન્ડિયા-UAE સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ ફ્રેમવર્ક'ને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતો પર સહમતી સધાઈ હતી. પ્રથમ, બંને દેશો ભવિષ્યની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી પેઢીનાં સંરક્ષણ ઉપકરણોનો સંયુક્ત વિકાસ અને ઉત્પાદન ઝડપી બનાવશે. એટલે કે હવે બંને દેશો માત્ર એકબીજા પાસેથી હથિયારો ખરીદવા પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે પણ સાથે કામ કરવાની દિશામાં આગળ વધશે. જોકે, કયા ચોક્કસ હથિયાર કે સંરક્ષણ સિસ્ટમનું સંયુક્ત ઉત્પાદન કરવામાં આવશે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી.

બીજું, આધુનિક યુદ્ધમાં ટેક્નોલોજીનું વધતું મહત્ત્વ ધ્યાનમાં રાખીને બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, અદ્યતન ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા, સૈન્ય તાલીમ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારશે. ત્રીજું, બંને દેશો વચ્ચે નક્કી થયેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા આગામી JDCC બેઠક પહેલાં નિયમિત સમયાંતરે કરવામાં આવશે. આ માટે બંને દેશોના સહ-અધ્યક્ષો વચ્ચે સતત સંકલન અને દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ સહયોગને માત્ર સરકારી સ્તરે જ નહીં, પરંતુ સંરક્ષણ ઉદ્યોગના સ્તરે પણ આગળ વધારવાની તૈયારી કરવામાં આવી છે. ભારતીય સંરક્ષણ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ પણ સંરક્ષણ સચિવ સાથે UAE પહોંચ્યું હતું. બંને દેશોની સંરક્ષણ કંપનીઓ વચ્ચે બિઝનેસ-ટુ-બિઝનેસ બેઠકો યોજાઈ હતી, જેમાં સંયુક્ત સાહસો અને ઉત્પાદન ક્ષેત્રે ભાગીદારીની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળે UAEના તવાઝુન ઇન્ડસ્ટ્રિયલ પાર્કની મુલાકાત લીધી હતી અને તવાઝુન ઇકોનોમિક કાઉન્સિલના અધિકારીઓ સાથે સંભવિત સહયોગ અંગે વાતચીત કરી હતી.

મુલાકાત દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે UAEના સંરક્ષણ રાજ્ય મંત્રી મોહમ્મદ બિન મુબારક ફાદેલ અલ મઝરૂઈ સાથે પણ મુલાકાત કરી હતી. બંને પક્ષોએ ખાડી અને પશ્ચિમ એશિયાની બદલાતી ભૂ-રાજકીય સ્થિતિ અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. રાજેશ કુમાર સિંહે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વતી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ પહેલાં તેમણે અબુ ધાબીના રાષ્ટ્રીય સ્મારક 'વહત અલ કરામા' ખાતે UAEના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારત અને UAE વચ્ચેનો સૈન્ય સહયોગ જમીન, આકાશ અને સમુદ્ર એમ વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યો છે. ઓક્ટોબર 2026માં ઉત્તરાખંડના ચૌબટિયા ખાતે બંને દેશોની સેનાઓએ 'માઉન્ટેન ગાર્જિયન 2026' નામની સંયુક્ત સૈન્ય કવાયત યોજી હતી. 5થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ કવાયતમાં બંને દેશોના કુલ 92 સૈનિકોએ ભાગ લીધો હતો. ભારતીય સેનાની ભૈરવ બટાલિયન અને UAEની માઉન્ટેન ઇન્ફન્ટ્રી બટાલિયનના જવાનો આ અભ્યાસમાં જોડાયા હતા. તેમાં પર્વતીય વિસ્તારોમાં લડાઈ, વ્યૂહાત્મક આયોજન, ડ્રોન ઓપરેશન, નિરીક્ષણ અને અન્ય સૈન્ય કવાયતની તાલીમનો સમાવેશ થયો હતો. વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક સંબંધો માટે જાણીતા ભારત-UAEના સંબંધો હવે સંરક્ષણ અને અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિસ્તરી રહ્યા છે. નવી બેઠકમાં થયેલી સહમતીથી બંને દેશો વચ્ચે સંયુક્ત સંરક્ષણ ઉત્પાદન, ટેક્નોલોજી અને સૈન્ય તાલીમમાં સહયોગ વધવાની દિશા નક્કી થઈ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો