ભારત

જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને અનંતનાગના ધારાસભ્ય પીરજાદા મોહમ્મદ સઈદનું 73 વર્ષની વયે નિધન

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અનંતનાગના વર્તમાન ધારાસભ્ય પીરજાદા મોહમ્મદ સઈદનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. જમ્મુમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષ સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીરના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.

પીરજાદા મોહમ્મદ સઈદે વર્ષ 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં અનંતનાગ બેઠક પરથી જીત મેળવી હતી. આ અગાઉ તેઓ કોકેરનાગ વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. તેમણે 1987, 2002 અને 2008માં કોકેરનાગ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે અલગ-અલગ સરકારોમાં મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. તેઓ જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.

પીરજાદા મોહમ્મદ સઈદે વર્ષ 1980માં કાશ્મીર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સક્રિય રાજકારણમાં જોડાયા હતા. દક્ષિણ કાશ્મીરના રાજકારણમાં તેમનું લાંબા સમયથી મહત્ત્વનું સ્થાન રહ્યું હતું. ધારાસભ્ય, મંત્રી અને પક્ષના સંગઠનાત્મક હોદ્દેદાર તરીકે તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી.

તેમના નિધન પર જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ અને ડૂરુ-શાહાબાદના ધારાસભ્ય ગુલામ અહમદ મીરે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પીરજાદા મોહમ્મદ સઈદને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્પિત નેતા ગણાવ્યા હતા. મીરે જણાવ્યું હતું કે લોકો અને કોંગ્રેસ પક્ષ માટે તેમણે આપેલી લાંબી તથા નિષ્ઠાપૂર્ણ સેવાઓને હંમેશાં સન્માન અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. પીરજાદા સઈદના નિધનના સમાચાર બાદ રાજકીય નેતાઓ, પક્ષના કાર્યકરો અને વિવિધ ક્ષેત્રના લોકોએ શોક વ્યક્ત કર્યો છે. દક્ષિણ કાશ્મીરના રાજકારણમાં લાંબા સમય સુધી સક્રિય રહેલા આ વરિષ્ઠ નેતાના નિધનથી કોંગ્રેસે એક અનુભવી નેતા ગુમાવ્યા છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો