મારું શહેર

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી પીપલોદના ઝેરોક્ષ વેપારી સાથે રૂ. ૨૩.૫૦ લાખની ઠગાઈ

સેબી રજિસ્ટર્ડ બ્રોકરેજ કંપની હોવાનો ખોટો દાવો કરી Fyersના નામે બોગસ વેબસાઇટ મારફતે શેર ટ્રેડિંગ કરાવી પીપલોદના ઝેરોક્ષના વેપારી સાથે સાયબર ઠગોએ રૂ.૨૩.૫૦ લાખની છેતરપિંડી આચરી હતી. શરૂઆતમાં એકાઉન્ટમાં લાખો રૂપિયાનો નકલી નફો દર્શાવી વિશ્વાસ કેળવ્યા બાદ ભારતી એરટેલની બ્લોક ડીલ અને પારસ હેલ્થકેરના IPOમાં ઊંચા વળતરની લાલચ આપી વધુ નાણાં પડાવ્યા હતા. જોકે, વેપારીએ નાણાં પરત માગતાં ઠગોએ સંપર્ક બંધ કરી દેતાં સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ પાસે મળતી માહિતી મુજબ, પીપલોદના ડિવાઈન બંગ્લોઝમાં રહેતા અને ઝેરોક્ષની દુકાન ચલાવતા દેવરાજભાઈ રામાભાઈ મકવાણા (ઉં.વ.૩૧)એ સપ્ટેમ્બર-૨૦૨૬માં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇન્વેસ્ટમેન્ટને લગતી એક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. ત્યારબાદ તા.૨૧ સપ્ટેમ્બરના રોજ તેમને VIP 1V1 696Group નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા. આ ગ્રૂપમાં કિઆરા મહેતા નામની વ્યક્તિએ પ્રોફેસર રાઘવેન્દ્ર ઐયરના આસિસ્ટન્ટ તરીકે ઓળખ આપી ફરિયાદીના પોર્ટફોલિયોનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમને Treasured Notes નામના અન્ય વોટ્સએપ ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા.

આરોપીઓએ Fyers કંપની સેબીમાં રજિસ્ટર્ડ હોવાનું જણાવી શેરબજારમાં ટ્રેડિંગથી ઊંચો નફો મળવાની લાલચ આપી હતી. આ માટે અસલ વેબસાઇટને બદલે https://fyers26.com નામની બોગસ વેબસાઇટની લિંક મોકલી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં રોકાણના નામે લેવડદેવડ કરાવ્યા બાદ ફરિયાદીના એકાઉન્ટમાં રૂ.૨૬,૩૮,૯૫૬નો નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ ભારતી એરટેલના શેરની રૂ.૧૦ લાખની બ્લોક ડીલ કરાવી એકાઉન્ટમાં કુલ રૂ.૩૫ લાખ જમા હોવાનું દર્શાવ્યું હતું. વધુમાં પારસ હેલ્થકેરના IPOમાં રૂ.૯૦ લાખના શેર એલોટ થયા હોવાનું જણાવી અગાઉના રૂ.૩૫ લાખ બાદ કરતાં બાકીના રૂ.૫૫ લાખ જમા કરાવવાની માંગણી કરી હતી. આ રીતે વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

જોકે, ફરિયાદીએ પોતાના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવાનો પ્રયાસ કરતાં ઠગોએ વધુ રકમ જમા કરાવવાની શરત મૂકી હતી. ત્યારબાદ નાણાં પરત આપ્યા વિના વોટ્સએપ ગ્રૂપના એડમિન અને અન્ય સંપર્ક નંબરો બંધ કરી દેવામાં આવ્યા હતા. આ રીતે વેપારી સાથે કુલ રૂ.૨૩.૫૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

આ અંગે ફરિયાદીએ અગાઉ તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં ગુનાહિત કૃત્ય જણાઈ આવતાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે હવે વિધિવત ફરિયાદ નોંધી નાણાકીય વ્યવહારો, બોગસ વેબસાઇટ અને આરોપીઓના સંપર્કોની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો