ભારત

બ્રિટનમાં ભારતીયોનું આવવા કરતાં જવાનું પ્રમાણ ચર્ચામાં, એક વર્ષમાં 85 હજાર લોકોએ દેશ છોડ્યો

બ્રિટનમાં રહેવા ગયેલા ભારતીયોમાંથી મોટી સંખ્યામાં લોકો હવે દેશ છોડી રહ્યા છે. યુકેના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના જૂન 2026 સુધીના આંકડા મુજબ, એક વર્ષના સમયગાળામાં અંદાજે 85 હજાર ભારતીય નાગરિકોએ બ્રિટન છોડ્યું છે. આ સાથે બ્રિટન છોડનારા બિન-યુરોપિયન નાગરિકોમાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. ચીનના નાગરિકો લગભગ 43 હજારના આંકડા સાથે બીજા ક્રમે છે. ભારતીયોમાં બ્રિટન છોડનારાઓમાં સૌથી વધુ સંખ્યા અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓની છે.

આંકડા મુજબ, બ્રિટન છોડનારા ભારતીયોમાં આશરે 55 હજાર એવા લોકો હતા, જેઓ અભ્યાસ માટે ત્યાં ગયા હતા. જ્યારે લગભગ 28 હજાર લોકો કામના હેતુથી બ્રિટન પહોંચ્યા હતા. અન્ય વિઝા કેટેગરીમાં આવેલા અંદાજે બે હજાર ભારતીયોએ પણ દેશ છોડ્યો હતો. આમ, કુલ સંખ્યા લગભગ 85 હજાર થાય છે. ચીનના નાગરિકોમાં અભ્યાસ માટે ગયેલા આશરે 38 હજાર અને કામ માટે ગયેલા ત્રણ હજાર લોકોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે બ્રિટન છોડનારા ભારતીયોમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ સૌથી વધુ છે.

જોકે, આ આંકડાનો અર્થ એવો નથી કે તમામ ભારતીયો બ્રિટનથી કાયમી રીતે નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. ONSના આંકડા લાંબા ગાળાના સ્થળાંતરને આવરી લે છે, એટલે કે ઓછામાં ઓછા 12 મહિના માટે દેશ છોડનારાઓનો તેમાં સમાવેશ થાય છે. અભ્યાસ માટે ગયેલા ઘણા લોકોનો અભ્યાસ અને ત્યારબાદનો વર્ક વિઝાનો સમયગાળો પૂરો થતાં તેઓ પરત ફર્યા હોઈ શકે છે. ONSના જણાવ્યા મુજબ, 2022 અને 2023માં મોટી સંખ્યામાં આવેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અભ્યાસ અને પોસ્ટ-સ્ટડી વર્કનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ બ્રિટન છોડ્યું હોવાની શક્યતા છે. બીજી તરફ, બ્રિટનમાં આવનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. જૂન 2026ના અંત સુધીના એક વર્ષમાં કુલ 7.38 લાખ લોકો લાંબા ગાળા માટે બ્રિટન આવ્યા હતા, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો 8.93 લાખ હતો. આમ, આવનારા લોકોની સંખ્યામાં આશરે 17 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, આ સમયગાળામાં 6.61 લાખ લોકોએ લાંબા ગાળા માટે બ્રિટન છોડ્યું હતું.

આ બંને આંકડા વચ્ચેનો તફાવત એટલે નેટ માઇગ્રેશન. જૂન 2026 સુધીના એક વર્ષમાં બ્રિટનનું નેટ માઇગ્રેશન ઘટીને 77 હજાર થયું હતું, જે અગાઉના વર્ષના સુધારેલા 2.04 લાખના આંકડા કરતાં અડધાથી પણ ઓછું છે. કોવિડ મહામારીના સમયગાળાને બાદ કરતાં 1997 પછીનો આ સૌથી નીચો આંકડો છે. ખાસ કરીને કામ, અભ્યાસ અને આશ્રય મેળવવા માટે બ્રિટન આવતા બિન-યુરોપિયન નાગરિકોની સંખ્યામાં ઘટાડો નેટ માઇગ્રેશન ઘટવાનું મુખ્ય કારણ બન્યો છે.

બ્રિટનમાં ઇમિગ્રેશન ઘટાડવા માટે વિઝા નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો પણ આ ઘટાડા સાથે જોડાયેલા છે. ONSના આંકડા મુજબ, જૂન 2026 સુધીના એક વર્ષમાં બિન-યુરોપિયન નાગરિકોના કામ માટેના આગમનમાં 25 ટકા અને અભ્યાસ માટેના આગમનમાં 11 ટકાનો ઘટાડો થયો હતો. આશ્રય સંબંધિત કારણોસર આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો. આમ, બ્રિટનમાં આવનારા લોકોની સંખ્યા ઘટી રહી છે, જ્યારે અગાઉ અભ્યાસ અને નોકરી માટે આવેલા લોકોનો એક હિસ્સો દેશ છોડી રહ્યો છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો