લિંબાયતના સંજયનગરમાં ડિવોર્સના મામલે થયેલા ઝઘડામાં પાંચ વર્ષથી અલગ રહેતા પતિએ પત્ની પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. બહેનના ઘરે આવેલી મહિલા ગેલેરીમાં કપડાં સૂકવતી હતી ત્યારે પતિએ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાઈ છે. લિંબાયત પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પતિને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ફાગને ગામે રહેતી કમલાબાઈ ઉર્ફે પૂજા સમાધાન વાલ્મીક સૂર્યવંશી (ઉં.વ. આશરે ૩૨) તા.૨૪ નવેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યે સુરતના લિંબાયત સંજયનગરમાં રહેતી પોતાની બહેન પ્રતિભા ગુલાબ પાટીલ (ઉં.વ. આશરે ૩૫)ના ઘરે આવી હતી. કમલાબાઈને પોતાના ભાઈની પત્નીના ગાંધીનગર ખાતે યોજાનાર શ્રીમંત પ્રસંગમાં જવાનું હતું. દિવસ દરમિયાન પ્રતિભા નોકરી પર ગઈ હતી અને સાંજે પરત આવ્યા બાદ બંને બહેનો સુભાષનગર વિસ્તારમાં સાડીની ખરીદી કરવા ગઈ હતી. રાત્રે નવ વાગ્યાના અરસામાં બંને ઘરે પરત ફરી હતી.
રાત્રે જમ્યા બાદ ઘરકામ પતાવી કમલાબાઈ ગાંધીનગર જવા માટે સામાન પેક કરી રહી હતી. દરમિયાન રાત્રે આશરે ૧૦:૪૫ વાગ્યે પ્રતિભા બીજા માળે રૂમની બહાર આવેલી ગેલેરીમાં કપડાં સૂકવી રહી હતી. તે વખતે પ્રતિભાનો પતિ ગુલાબ ચુડામન પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો. છેલ્લા પાંચેક વર્ષથી પતિ-પત્ની અલગ રહેતા હોવાથી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
બહેન કમલાબાઈએ બહાર આવી ઝઘડો કરવાની ના પાડતાં ગુલાબે તેમને વચ્ચે નહીં બોલવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. ત્યારબાદ પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર કાઢી પ્રતિભાના ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં પ્રતિભાના ગળામાંથી લોહી વહેવા લાગતાં કમલાબાઈએ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો એકત્ર થાય તે પહેલાં જ ગુલાબ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. ગળાના ભાગે ગંભીર ઈજા હોવાથી તે બોલી શકતી ન હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે ઇજાગ્રસ્થની બહેન કમલાબાઈની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પતિ ગુલાબ ચુડામન પાટીલ વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકમાં પતિને પકડી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે , બંને વચ્ચે પાંચ વર્ષથી કોર્ટમાં ડિવોર્સ મામલે કેસ ચાલે છે અને પતિ ડિવોર્સ લેવા માંગતો ન હોવાથી તે લિંબાયતમાં એકલી રહેતી પ્રતિભા પર અવારનવાર હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો.