મારો જિલ્લો

અંકલેશ્વરના કાગદીવાડમાં પાર્ક કરેલી કારમાંથી રૂ.૧ લાખથી વધુનો દારૂ ઝડપાયો

ભરૂચ એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં દરોડો પાડી એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪,૨૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

બનાવની વિગત મુજબ ભરૂચ એલ.સી.બી.ની ટીમ તા.૨૬ નવેમ્બર-૨૦૨૬ના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, કાગદીવાડ ખાતે ગોયા બજાર પાસે રહેતા સાલેર ઉર્ફે શાહરુખ સફીકભાઈ શેખે પોતાની સફેદ રંગની સ્કોડા ફેબિયા કાર નં.(GJ-16-AJ-7383)માં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘર બહાર પાર્ક કરી રાખ્યો છે. પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા ઘર બહાર પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂની કુલ ૪૫૬ બોટલ કિં.રૂ. ૧,૦૦,૮૦૦ મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી આરોપી સાલેર ઉર્ફે શાહરુખ શેખ (ઉં.વ.૩૧)ની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૨૦,૦૦૦નો આઈફોન ૧૨ અને રૂ. ૩,૦૦,૦૦૦ની કાર સહિત કુલ રૂ.૪,૨૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂ તેણે અને તેના પાર્ટનર તુફેલ સલીમ મલેક (રહે.,કસ્બાતીવાડ, અંકલેશ્વર)એ મળીને પાનોલીના સકીલ નામના શખ્સ પાસેથી ઉમરવાડા રોડ પરથી મંગાવ્યો હતો. આ અંગે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો