મારું શહેર

પુત્રના લગ્નના મહેંદી પ્રસંગમાં માતાનું હાર્ટ એટેકથી મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું

સુરતના જાણીતા કાપડ ઉદ્યોગપતિ અને ફોસ્ટાના પ્રમુખ હંસરાજ જૈન (તાતેડ)ના પરિવારના લગ્ન પ્રસંગમાં માતાના અચાનક મોતથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. નાના પુત્રના લગ્નની મહેંદી સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા હતા, ત્યારે જ 50 વર્ષીય પત્ની પિસ્તા દેવીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.

મળેલી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના બ્યાવરના વતની હંસરાજ જૈન (તાતેડ) હાલમાં વેસુ વિસ્તારમાં આવેલી નાલંદા રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે. કાપડ માર્કેટમાં ફોસ્ટાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા હંસરાજ જૈનનું કાપડ ઉદ્યોગમાં મોટું નામ છે. તેમની ફ્લોર મિલનો વ્યવસાય પણ છે. ગુરુવારે તેમના નાના પુત્ર પંકજના લગ્ન હોવાથી ઓલપાડના સાહોલ રોડ પર આવેલા વૈદિક રિસોર્ટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બુધવારે રિસોર્ટમાં મહેંદી સહિતના લગ્ન પ્રસંગના કાર્યક્રમો ચાલી રહ્યા હતા. આ દરમિયાન પિસ્તા દેવીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ગભરામણ થતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ ઘટનાથી લગ્ન પ્રસંગમાં હાજર પરિવારજનો અને મહેમાનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

બીજી તરફ, માતાના અવસાનના સમાચાર પુત્ર પંકજને આપવામાં આવ્યા નહોતા. લગ્નની ખુશી વચ્ચે પુત્રને આઘાત ન લાગે તે માટે પરિવારજનોએ ભારે હૈયે નિર્ણય લીધો હતો. ગુરુવારે યોજાનારા લગ્નના ફેરા બુધવારે રાત્રે જ આશરે 10 વાગ્યાના સુમારે લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે આજે યોજાનારું રિસેપ્શન રદ કરવામાં આવ્યું હતું. મહેમાનોને મેસેજ કરીને રિસેપ્શન કેન્સલ થયાની જાણ કરવામાં આવી હતી.

એક તરફ ઘરમાં નાના પુત્રના લગ્નની શરણાઈઓ ગૂંજી રહી હતી, તો બીજી તરફ પરિવારની મોભીનું અચાનક અવસાન થતાં ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો.

લગ્નમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો આમંત્રિત

ફોસ્ટાના પ્રમુખ હંસરાજ જૈનના નાના પુત્ર પંકજના લગ્ન પ્રસંગે ઓલપાડના સાહોલ રોડ પર આવેલા વૈદિક રિસોર્ટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજકીય આગેવાનો, કાપડ માર્કેટના અગ્રણીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવાની હતી.

માતાના મોતની જાણ કર્યા વિના રાત્રે જ પુત્રના લગ્ન લેવડાવ્યા

બુધવારે મહેંદીના કાર્યક્રમ દરમિયાન પિસ્તા દેવીનું અચાનક અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે, પુત્ર પંકજને માતાના મોતના સમાચાર આપવામાં આવ્યા નહોતા. ગુરુવારે યોજાનારા લગ્નના ફેરા બુધવારે રાત્રે જ આશરે 10 વાગ્યે લેવડાવી દેવામાં આવ્યા હતા. આજે યોજાનારું રિસેપ્શન પણ રદ કરી મહેમાનોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી.

પુત્રના લગ્નના દિવસે જ માતાની અંતિમ યાત્રા નીકળી

જે દિવસે નાના પુત્ર પંકજના લગ્ન થવાના હતા, એ જ દિવસે પરિવારની મોભી પિસ્તા દેવીની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. લગ્નની શરણાઈઓ ગૂંજવાને બદલે ઘરમાં માતમ છવાઈ ગયો હતો. પિસ્તા દેવીના અવસાનને પગલે શુક્રવારે આજે સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અગ્રેશન ભવન ખાતે બેસણું રાખવામાં આવ્યું છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો