મારો જિલ્લો

નર્મદામાં ફ્લેશ લાઈટના અજવાળે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ઝાંક ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં પત્તાંપાનાંનો જુગાર રમતા પાંચ જુગારીને દબોચી લીધા હતા. આ બનાવમાં પોલીસે સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.૪૯,૨૬૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા એલ.સી.બી. અને AHTU શાખાની ટીમ ગત તા.૨૫ નવેમ્બરના રોજ રાત્રિના સમયે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઝાંક ગામના તુમડા ફળિયામાં રહેતા અશોકભાઈ બહાદુરભાઈ વસાવાના ઘરની પાછળ આવેલા વાડાની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો મોબાઈલની ફ્લેશ લાઈટના અજવાળે પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી રાત્રે ૧૦:૨૦થી ૧૧:૨૦ વાગ્યાના અરસામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહીમાં સ્થળ પરથી ઝાંક ગામના તુમડા ફળિયામાં રહેતા રતીલાલભાઈ શંકરભાઈ વસાવા (ઉં.વ.૨૮), વિજયભાઈ રોહિતભાઈ વસાવા (ઉં.વ.૧૯), સાવનભાઈ રમેશભાઈ વસાવા (ઉં.વ.૨૧), રમણભાઈ છનાભાઈ વસાવા (ઉં.વ.૨૬) અને સાવનભાઈ શાંતિલાલભાઈ વસાવા (ઉં.વ.૧૯) રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓની અંગજડતીમાંથી રોકડા રૂ.૧૦,૭૬૦, દાવ પરથી રોકડા રૂ.૩,૫૦૦ તથા રૂ.૩૫,૦૦૦ની કિંમતના પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૯,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો