દાહોદ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને વાવેતર સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દુધામાલી ગામે ખેતરોમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે.
ધાનપુર પોલીસે એસ ઓ જી પોલીસે ત્રણ અલગ-અલગ ખેતરોમાંથી કુલ 378 ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે. જેનું કુલ વજન 450 કિલો 830 ગ્રામ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જપ્ત કરેલા ગાંજાના છોડની અંદાજિત કિંમત રૂપિયા 2 કરોડ 30 લાખ 41 હજાર 500 ગણવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વી.ડી. ચૌધરી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ, હેરાફેરી અને ગેરકાયદેસર વાવેતર અટકાવવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી.જેના અનુસંધાને દાહોદ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામના સ્ટેશન ફળિયામાં રહેતા કોલાભાઈ વિરાભાઈ જાતે બારિયા પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે.આ બાતમી ના આધારે એસ.ઓ.જી. પોલીસની ટીમે સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન આરોપીના ત્રણ અલગ-અલગ ખેતરોમાંથી ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ 378 ગાંજાના છોડ, જેનું વજન 450.830 કિલોગ્રામ હતું, તે કબજે કર્યા હતા. આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 2,30,41,500 હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ મામલે પોલીસે આરોપી કોલાભાઈ વિરાભાઈ જાતે બારિયા, રહે. દુધામાલી, સ્ટેશન ફળિયું, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદની ધરપકડ કરી છે.
જપ્ત કરાયેલા ગાંજાના છોડનું સ્થળ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે ગાંજાના છોડ હોવાનું પ્રમાણિત થતાં પોલીસે આરોપી વિરુદ્ધ ધાનપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી દાહોદ એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી તો દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વાવેતર સામે પોલીસની આ મોટી કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.