મારું શહેર

લાજપોરમાં ચાર દિવસથી ગુમ 17 વર્ષીય કિશોરીનો કોયલી ખાડીમાંથી મૃતદેહ મળ્યો

સચિનના લાજપોર વિસ્તારમાંથી ચાર દિવસ પહેલાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ ગુરુવારે સવારે કનસાડ ગામ નજીક આવેલી કોયલી ખાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. કિશોરીના મોતને લઈને અનેક તર્ક-વિતર્ક અને શંકાકુશંકાઓ વચ્ચે નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબોની પેનલ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સચિનના લાજપોર વિસ્તારમાં આવેલા મદીના પાર્કમાં રહેતા મોહમ્મદ ઝાકિર અન્સારીની 17 વર્ષીય પુત્રી ઈરફત ગત રવિવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ સંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ કરી હતી, પરંતુ ચાર દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ગુરુવારે સવારે સચિનના કનસાડ ગામ નજીકથી પસાર થતી કોયલી ખાડીના પાણીમાં એક કિશોરીનો મૃતદેહ તરતો હોવાની જાણ રાહદારીને થતાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ખાડીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ મૃતદેહની ઓળખ ચાર દિવસ પહેલાં ગુમ થયેલી ઈરફત તરીકે થઈ હતી. કિશોરીનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

મૃતક ઈરફતના પિતા મોહમ્મદ ઝાકિર અન્સારી દુબઈમાં નોકરી કરે છે. પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. કિશોરીનો મૃતદેહ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બીજી તરફ, કિશોરીના મોત અંગે શંકાકુશંકા વ્યક્ત કરવામાં આવતાં નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ત્રણ તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક વિભાગના ડોક્ટર ચંદ્રેશ ટેલરે જણાવ્યું હતું કે, મૃતકના શરીર પરથી ઇજાનાં કોઈ નિશાન મળ્યાં નથી. પ્રાથમિક તપાસમાં બળજબરી થઈ હોય તેવું પણ જણાતું નથી. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેના રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કિશોરીના ગળા પર ઇજાનાં નિશાન હોવાની ચર્ચા વહેતી થઈ હતી. જોકે, ફોરેન્સિક તબીબોના પ્રાથમિક તારણમાં શરીર પર ઇજાનાં નિશાન મળ્યાં ન હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો