ઈજાગ્રસ્ત મહિલા, બાળકી અને પુરુષને તાત્કાલિક ૧૦૮ મારફતે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા, શહેરમાં બેફામ ડ્રાઇવિંગ સામે લોકોમાં ભારે રોષ
વડોદરાના માર્ગો પર ફરી એકવાર બેફામ અને પૂરઝડપે વાહન હંકારતા ચાલકોનો આતંક સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ગોત્રી રોડ પર આશરે ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની અતિશય ઝડપે દોડી રહેલા એક બુલેટ ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા સવાર ત્રણ લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા, બાળકી અને પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી પુરુષની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ગોત્રી રોડ પરથી એક પુરુષ, મહિલા અને નાની બાળકી એક્ટિવા પર સવાર થઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ૯૦ થી ૧૦૦ ની સ્પીડે ધસી આવેલા બુલેટ ચાલકે એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ બુલેટ અને એક્ટિવા બંને વાહનોનો કૂચો વળી ગયો હતો અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ભયાનક અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું, નાની બાળકીને જમણા પગમાં ફ્રેક્ચર થયું છે અને સાથે રહેલા પુરુષની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાને નજરે જોનાર પ્રત્યક્ષદર્શી સિશીલ દવેએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ રોડ ક્રોસ કરી રહ્યા હતા. બુલેટની ૯૦ થી ૧૦૦ ની સ્પીડ અને ટક્કરનું દ્રશ્ય જોઈને તેઓ થોડીવાર માટે ગભરાઈ ગયા હતા, પરંતુ તુરંત પોતાની ગાડી પાર્ક કરીને મદદ માટે દોડ્યા હતા. ટક્કર બાદ નાની બાળકી લગભગ સાત-આઠ ફૂટ દૂર જઈને પડી હતી અને મહિલા અલગ દિશામાં પડ્યા હતા, જેમને તેમણે સૌપ્રથમ બાળકી અને ત્યારબાદ મહિલાને સુરક્ષિત રીતે સાઈડમાં ખસેડ્યા હતા.
શહેરમાં આ રીતે બેફામ સ્પીડે વાહન હંકારતા ચાલકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઘટનાની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.