અડાજણ વિસ્તારમાં અભ્યાસના ટેન્શન વચ્ચે ભૂલકા ભવન સ્કૂલના ધોરણ-10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારના એકના એક પુત્રના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, અડાજણની સાર્થક રેસિડેન્સીમાં રહેતા ભાવેશભાઈ પટેલ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 15 વર્ષીય એકનો એક પુત્ર દેવમ અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલી ભૂલકા ભવન સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. દરમિયાન બુધવારે રાત્રે દેવમે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર બાદ આ અંગે જાણ થતાં પિતા ભાવેશભાઈએ રૂમનો દરવાજો ખોલી દેવમને નીચે ઉતાર્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ દેવમને મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતના સમાચારથી પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
અડાજણ પોલીસની પ્રાથમિક તપાસમાં દેવમે અભ્યાસના ટેન્શનને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આપઘાત પાછળ અભ્યાસનું દબાણ કે મોબાઈલ સહિતનું અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.