પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી શ્રી સતી મિલમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મિલનો અંદાજે 600 કિલો વજન ધરાવતો અને આઠ ફૂટ ઊંચો લોખંડનો ભારેખમ ગેટ ખોલવા જતાં સિક્યુરિટી ગાર્ડ પર તૂટી પડ્યો હતો. ગેટ નીચે દબાઈ જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 55 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના વતની અને હાલ પાંડેસરાના ગણેશનગરમાં પોતાના ભાઈ સાથે રહેતા 55 વર્ષીય ગુલાબભાઈ રામેશ્વરભાઈ પરમાર પાંડેસરા GIDC ખાતે આવેલ શ્રી સતી મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. મંગળવારે રાત્રે તેઓ મિલનો લોખંડનો ગેટ ખોલવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક અંદાજે આઠ ફૂટ ઊંચો અને 600 કિલો વજન ધરાવતો ભારેખમ ગેટ તેમના પર તૂટી પડ્યો હતો. જેના કારણે ગુલાબભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મિલમાં ફરજ દરમિયાન બનેલી આ દુર્ઘટનામાં એક સિક્યુરિટી ગાર્ડનો જીવ ગયો છે.