મારું શહેર

કાપોદ્રામાં પત્ની સાથેના ઝઘડા બાદ ત્રણ સંતાનોને લઈ વતન જતાં પતિનો આપઘાત

કાપોદ્રા વિસ્તારમાં પત્ની સાથે થયેલા ઝઘડા બાદ પત્ની ત્રણ સંતાનોને લઈને વતન ચાલી જતા યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

મળેલી માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને હાલ કાપોદ્રા રામકૃષ્ણ કોલોનીમાં આવેલી સોંઢાભાઈની ચાલમાં રહેતો 30 વર્ષીય પ્રદીપ દૂધનાથ માછી એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરી પત્ની અને ત્રણ પુત્રો સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. બુધવારે રાત્રે પ્રદીપે ઘરના રૂમમાં પંખાના હુક સાથે ટુવાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મૃતકના પિતા દૂધનાથભાઈએ જણાવ્યું હતું કે, પ્રદીપ અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ પત્ની ત્રણેય સંતાનોને લઈને બહેનના ઘરે જવાનું કહી દિલ્હી જતી રહી હતી. આ અંગે જાણ થતાં પ્રદીપે પત્નીને ફોન પણ કર્યા હતા. પત્ની સાથેના ઝઘડા અને ત્રણેય સંતાનોથી દૂર થવાના આઘાતમાં તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ અંગે અશ્વિનીકુમાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો