મારું શહેર

મોતના મુખમાંથી 25 વર્ષીય યુવકને ખેંચી લાવ્યા સ્મીમેરના તબીબો

સ્મીમેર હોસ્પિટલના તબીબોએ વધુ એક વખત ગંભીર હાલતમાં આવેલા દર્દીને નવજીવન આપ્યું છે. છરીના જીવલેણ ઘાને કારણે ભારે રક્તસ્રાવ સાથે હોસ્પિટલમાં લવાયેલા 25 વર્ષીય યુવકની સ્થિતિ અત્યંત નાજુક બની હતી. તેના આંતરડામાં પણ કાણું પડી ગયું હતું. આવી જોખમી સ્થિતિમાં એક જ વખત લાંબી સર્જરી કરવાને બદલે તબીબોએ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબની ‘ડેમેજ કંટ્રોલ સર્જરી’ પદ્ધતિ અપનાવી બે તબક્કામાં જટિલ ઓપરેશન કર્યું હતું. પ્રથમ સર્જરી બાદ બે દિવસ સુધી ICUમાં સઘન સારવાર આપી દર્દીની સ્થિતિ સ્થિર કરવામાં આવી હતી. ત્યારબાદ બીજી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવતાં યુવકનો જીવ બચી ગયો છે અને હાલ તે જનરલ વોર્ડમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતા ગોવિંદા લક્ષ્મણ ગાવડેના 25 વર્ષીય પુત્ર મનીષ ગાવડેને ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ જમણા નિતંબના ભાગે છરીનો ઊંડો ઘા વાગ્યો હતો. ગંભીર ઈજાને કારણે તેના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું. લોહીલુહાણ અને અત્યંત નાજુક હાલતમાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સમયની ગંભીરતા સમજી તે જ દિવસે પ્રથમ તબક્કાની ડેમેજ કંટ્રોલ સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. દોઢ કલાક સુધી ચાલેલી આ સર્જરી દરમિયાન પેટ ખોલીને તપાસ કરતાં નાના આંતરડાના ઇલિયમ ભાગમાં કાણું પડ્યું હોવાનું બહાર આવ્યું હતું. તબીબોએ તાત્કાલિક રક્તસ્રાવ અટકાવી આંતરડાના કાણાનું પ્રાથમિક રિપેરિંગ કર્યું હતું.

પ્રથમ તબક્કાની સર્જરી બાદ દર્દીના હૃદય અને રક્તપરિભ્રમણને સ્થિર રાખવું તબીબો માટે મોટો પડકાર હતો. આથી તેને બે દિવસ સુધી સર્જિકલ ICUમાં રાખવામાં આવ્યો હતો અને ઈનોટ્રોપિક દવાઓના સપોર્ટ સાથે સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફની સઘન સારવારના પરિણામે 48 કલાકમાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હતો.

ત્યારબાદ 24 ઓક્ટોબરના રોજ બીજા તબક્કાની સર્જરી કરવામાં આવી હતી. જેમાં જમણા નિતંબના ઘાની ફરી તપાસ કરીને રક્તસ્રાવ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. સાથે જ પેટની અંદરની સંપૂર્ણ સફાઈ કરી ઈજાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બંને તબક્કાની સર્જરી સફળ રહેતાં દર્દીને ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે અને તે ખતરામાંથી બહાર આવી રહ્યો છે.

શું છે ડેમેજ કંટ્રોલ સર્જરી?

ગંભીર અકસ્માત કે હિંસક હુમલામાં જ્યારે દર્દીના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હોય અને આંતરિક અંગોને ગંભીર ઈજા પહોંચી હોય ત્યારે એક જ વખત લાંબી સર્જરી કરવી જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ટ્રોમા ગાઈડલાઈન મુજબ તબક્કાવાર સર્જરી કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં માત્ર રક્તસ્રાવ અટકાવી દર્દીનો જીવ બચાવવો અને ICUમાં તેની શારીરિક સ્થિતિ સ્થિર કરવી મુખ્ય હેતુ હોય છે. ત્યારબાદ દર્દીની સ્થિતિ સુધરે ત્યારે બીજા તબક્કામાં ઈજાઓનું કાયમી નિરાકરણ કરવામાં આવે છે. સ્મીમેરના તબીબોએ આ જ પદ્ધતિ અપનાવી 25 વર્ષીય યુવકને નવજીવન આપ્યું છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો