વ્યાપાર

Diamonds Do Good: બોત્સ્વાનામાં 900 યુવાનોને હીરા ઉદ્યોગના સહયોગથી સર્જનાત્મક ક્ષેત્રોની તાલીમ અપાશે

હીરા ઉત્પાદન માટે જાણીતા આફ્રિકાના બોત્સ્વાનામાં યુવાનો માટે સર્જનાત્મક ક્ષેત્રોમાં રોજગારી અને કારકિર્દીની નવી તકો ઊભી કરવાના હેતુથી ‘ડાયમંડ્સ ડુ ગુડ’ (DDG) દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. હોલિવૂડની લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી ‘યલોસ્ટોન’માં ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક ડેનિમ રિચર્ડ્સ સાથે મળીને બોત્સ્વાનાના હીરા ઉત્પાદક વિસ્તારોના 900 યુવાનોને તાલીમ આપવામાં આવશે.

‘ડાયમંડ્સ ઇન ધ કોમ્યુનિટી’ નામની આ પહેલ બોત્સ્વાના સ્થિત સંસ્થા ‘ડાઇનિંગ વિથ ડાયમંડ્સ’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સંસ્થાની સહસ્થાપના ડેનિમ રિચર્ડ્સે કરી છે. કાર્યક્રમના પ્રથમ વર્ષનો સમગ્ર ખર્ચ ડાયમંડ્સ ડુ ગુડ દ્વારા ઉઠાવવામાં આવશે. રિચર્ડ્સ આ સંસ્થામાં એમ્બેસેડર તરીકે પણ જોડાશે.

આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને અભિનય, સંગીત, ફિલ્મ નિર્માણ, કોસ્ચ્યુમ ડિઝાઇન, સેટ નિર્માણ અને માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં 8થી 10 સપ્તાહની વ્યવસાયિક તાલીમ તથા માર્ગદર્શન આપવામાં આવશે. લેટલ્હાકાને, ઓરાપા અને જ્વાનેંગમાં તાલીમ યોજાશે. ત્યારબાદ ગેબોરોનમાં વિશેષ પ્રસ્તુતિનું આયોજન થશે, જેમાં તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા બે મૂળ મ્યુઝિકલ શો અને એક નાટક રજૂ કરવામાં આવશે. દરેક તાલીમ જૂથમાં ઓછામાં ઓછા 60 ટકા મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક છે.

આંતરરાષ્ટ્રીય સ્તરના માર્ગદર્શકોમાં એમી એવોર્ડ વિજેતા અભિનેતા ઓબ્બા બાબાતુન્ડે, એરે ફિલ્મવર્ક્સના પ્રોડક્શન પ્રમુખ પોલ ગાર્ન્સ, દક્ષિણ આફ્રિકાના ફિલ્મ નિર્માતા મંડલા ડુબે અને પેરામાઉન્ટ આફ્રિકાના પૂર્વ વરિષ્ઠ ઉપાધ્યક્ષ મોન્ડે ટ્વાલાનો સમાવેશ થાય છે.

ડેનિમ રિચર્ડ્સે જણાવ્યું હતું કે, આ વિસ્તારોના યુવાનોમાં પ્રતિભા અને મહત્ત્વાકાંક્ષા છે, પરંતુ તેમને સર્જનાત્મક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે અનુભવી માર્ગદર્શકો, વ્યવસાયિક તાલીમ, સાધનો અને યોગ્ય તકોની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ડાયમંડ્સ ડુ ગુડ અગાઉ ‘ડાયમંડ એમ્પાવરમેન્ટ ફંડ’ તરીકે ઓળખાતી હતી અને તેની સ્થાપના 2006માં થઈ હતી. કુદરતી હીરા સાથે સંકળાયેલા સમુદાયોમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે આ સંસ્થા વિશ્વભરમાં કાર્યરત છે. બોત્સ્વાનામાં આ નવી પહેલ હીરા ઉદ્યોગના સામાજિક યોગદાનને સર્જનાત્મક રોજગારી સાથે જોડવાનો પ્રયાસ છે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો