વ્યાપાર

અમેરિકાના 25 ટકા સૂચિત ટેરિફથી હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ચિંતા

અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર સૂચિત કરેલા 25 ટકા ટેરિફને પગલે દેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ ટેરિફની અસર ભારતની નિકાસ, પેમેન્ટ સાયકલ, લોજિસ્ટિક્સ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા પર પડી શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, અમેરિકાના ટેરિફ પગલાંને કારણે ભારતીય ઉદ્યોગ લાંબા સમયથી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, ટેરિફના કારણે આયાતી માલની પડતર કિંમત અને રિટેલ કિંમતોમાં વધારો થવાથી અમેરિકન ગ્રાહકોની માગ ઘટી શકે છે. તેની સીધી અસર બંને દેશોની સમગ્ર વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલા વેપાર-ધંધા અને રોજગારી પર પડી શકે છે. અમેરિકા ભારતીય જ્વેલરી માટેનું મહત્ત્વનું બજાર છે, જે આશરે બે લાખ રોજગારીને ટેકો આપે છે.

એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 14.87 ટકાનો વધારો નોંધાયો હતો. નિકાસ આશરે 3,607 મિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી હતી. જોકે, સૂચિત ટેરિફમાં કોઈપણ વધારો અથવા બજારમાં પ્રવેશ અંગેની અનિશ્ચિતતા નિકાસકારોના ઓર્ડર, નફાના માર્જિન અને સ્પર્ધાત્મકતા પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

ભણસાલીએ આશા વ્યક્ત કરી હતી કે, ભારત-અમેરિકા વચ્ચેની સમજૂતીના પરિણામે ટેરિફ 25 ટકાથી ઘટાડીને 17 ટકા કરવામાં આવશે તો ઉદ્યોગને મોટી રાહત મળશે. તેનાથી અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની ભાવસ્પર્ધાત્મકતા પુનઃસ્થાપિત થશે અને નિકાસકારોને વેપાર જાળવવાની સાથે વિસ્તરણ કરવાની તક મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની નવી મુક્ત વેપાર સમજૂતીઓ (એફટીએ) લાંબા ગાળે નિકાસ બજારોમાં વૈવિધ્ય લાવશે, પરંતુ નવા બજારોમાં ગ્રાહકો સાથે સંબંધો વિકસાવવામાં બે-ત્રણ વર્ષ લાગી શકે છે. જ્યારે સૂચિત ટેરિફની અસર માત્ર 45 દિવસથી બે મહિનામાં દેખાઈ શકે છે. થાઇલેન્ડ, વિયેતનામ અને ચીન જેવા હરીફ દેશો પર ઊંચા ટેરિફ લાગુ થવાથી ભારતીય નિકાસકારોને ફાયદો થવાની શક્યતા છે. જોકે, અંતિમ લાભ ટેરિફના માળખા પર નિર્ભર રહેશે.

ભારત-અમેરિકા વચ્ચેની દ્વિપક્ષીય વેપાર સમજૂતી (બીટીએ)ની વાટાઘાટોમાંથી સકારાત્મક પરિણામ આવશે અને બંને દેશો વચ્ચેના મજબૂત વેપારી સંબંધો જળવાઈ રહેશે તેવી આશા સાથે સમગ્ર ઉદ્યોગ આશાવાદી છે, એમ કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો