સોનગઢના મોહપાડા ગામના ત્રણ રસ્તા પાસે ગુરુવારે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૧૬ વર્ષીય સિલેશ કોંકણીનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી પિકઅપ ટેમ્પોનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ચીમેર ગામના કારભારી ફળિયામાં રહેતા કલ્પેશભાઈ શિવાભાઈ કોંકણીનો ૧૬ વર્ષીય પુત્ર સિલેશભાઈ સવારે નવેક વાગ્યાના અરસામાં બાઈક નં.(GJ-05-PE-2744) લઈ ડાંગના સુબીર ખાતે મામાના ઘરે જવા નીકળ્યો હતો. સુબીર પહોંચ્યા બાદ તેણે ઘરે ફોન કરીને પરત ચીમેર આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન સવારે આશરે ૧૧:૩૦ વાગ્યે સોનગઢથી સોનગઢ ફાટા તરફ જતા રોડ પર મોહપાડા ત્રણ રસ્તા પાસે પૂરઝડપે હંકારી આવતા પિકઅપ ટેમ્પો નં.(MH-41-AU-6961)ના ચાલકે સિલેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરમાં સિલેશભાઈને માથામાં ગંભીર ઈજા તથા કપાળના ડાબા ભાગે ઘસરકા પડ્યા હતા અને નાક, મોં તથા કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તબીબે તપાસ કરીને કિશોરને મૃત જાહેર કર્યો હતો. આ અંગે કલ્પેશભાઈ કોંકણીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી ફરાર ટેમ્પો ચાલકને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.