મારું શહેર

સુરતમાં વધુ ચાર વિસ્તારોમાં 2700 EWS આવાસો બનાવવા દરખાસ્ત

શહેરમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ વધુ 2700 આવાસ બનાવવાની તૈયારી શરૂ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ મનપાની માલિકીની જમીનો પર ચાર અલગ-અલગ સ્થળે EWS કેટેગરીનાં આવાસો બનાવવામાં આવશે. આ અંગેની દરખાસ્તો આગામી 30 નવેમ્બરે મળનારી સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવશે.

આ આયોજનમાં જહાંગીરાબાદ ખાતે સૌથી મોટો પ્રોજેક્ટ હાથ ધરાશે. ટી.પી. સ્કીમ નં.43ના ફાઇનલ પ્લોટ નં.47 પર 992 આવાસ અને પાંચ દુકાનો બનાવવાનું આયોજન છે. જ્યારે પાલનપોર-ભેંસાણમાં 900, અલથાણમાં 548 અને સરથાણા-પાસોદરા-લસકાણામાં 260 આવાસ બનાવવામાં આવશે. અલથાણમાં આઠ અને સરથાણામાં સાત દુકાનો પણ બનાવાશે. આમ, ચારેય સ્થળે કુલ 2700 આવાસ તૈયાર થશે.

જહાંગીરાબાદ પ્રોજેક્ટ માટે મનપાએ રૂ.105.84 કરોડનો નેટ અંદાજ તૈયાર કર્યો છે, જ્યારે ગ્રોસ ખર્ચ રૂ.133.76 કરોડ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની સેન્ટ્રલ સેન્કશનિંગ એન્ડ મોનિટરિંગ કમિટીની મંજૂરી પણ મળી ચૂકી છે. અહીં દરેક આવાસનું કાર્પેટ એરિયા 35.32 ચોરસ મીટર રહેશે. તેમાં બે રૂમ, રસોડું, ટોયલેટ, બાથરૂમ અને યુટિલિટી એરિયાની સુવિધા મળશે.

આ ઉપરાંત આંતરિક રસ્તા, ડ્રેનેજ, પાણી, ગાર્ડન, ફાયર સેફ્ટી, વીજળી, ગેસ કનેક્શન, આંગણવાડી અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ પણ ઊભી કરાશે.

યોજનાની જોગવાઈ પ્રમાણે દરેક આવાસ માટે કેન્દ્ર સરકાર રૂ.1.50 લાખ અને રાજ્ય સરકાર રૂ.2 લાખની સહાય આપશે. જ્યારે લાભાર્થીએ મહત્તમ રૂ.7 લાખ સુધીનો ફાળો આપવાનો રહેશે. બાકીનો ખર્ચ મનપાએ ભોગવવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે PMAY-U 2.0 હેઠળ સુરત મનપાને શરૂઆતમાં 30 હજાર આવાસ બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો, જે વધારીને 50 હજાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં AHP અને BLC ઘટક હેઠળ કુલ 24,514 આવાસોના DPRને મંજૂરી મળી ચૂકી છે. હવે ચાર નવા પ્રોજેક્ટની દરખાસ્તો સમિતિ સમક્ષ રજૂ થયા બાદ અંદાજ, ટેન્ડર અને નાણાકીય વ્યવસ્થા અંગે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાતમિત્ર પર પૂરા સમાચાર અને વધુ સમાચાર વાંચો