સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં એકપણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી નોંધાયેલો ન હોવા છતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુવિધા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી મનપાએ કરી છે. પશ્ચિમ ઝોન (રાંદેર)ની વિવિધ શાળાઓમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે ટેક્ટાઈલ ટાઇલ્સ લગાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ કામગીરી પાછળ રૂ.35.40 લાખનો ખર્ચ થશે, જ્યારે જીએસટીની રકમ અલગથી ચૂકવવાની રહેશે. સરકારી નિયમોના પાલન માટે મનપા લાખો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે.
ટેક્ટાઈલ ટાઇલ્સની સપાટી પર વિશિષ્ટ પ્રકારની પટ્ટીઓ અને ઊપસેલા ટપકાં હોય છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સફેદ લાકડી અથવા પગના તળિયાના સ્પર્શથી તેની ઓળખ કરી શકે છે. પટ્ટીવાળી ટાઇલ્સ આગળ વધવાનો માર્ગ દર્શાવે છે, જ્યારે ઊપસેલા ટપકાં વળાંક, અવરોધ કે સંભવિત જોખમનો સંકેત આપે છે. આ સુવિધાથી દૃષ્ટિની મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને કોઈના સહારા વગર શાળાના પરિસરમાં અવરજવર કરવામાં મદદ મળી શકે છે.
દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ-2016ની કલમ 40થી 45ની જોગવાઈઓને અનુરૂપ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોન દ્વારા પ્રથમ વખત ક્વોટેશન મંગાવવામાં આવતાં ત્રણ એજન્સીઓએ ભાગ લીધો હતો. તેમાંથી બે એજન્સીઓ ટેકનિકલ ચકાસણીમાં પાસ થઈ હતી. એન.પી. મુંગરા એજન્સીએ શરૂઆતમાં પ્રતિ રનિંગ મીટર રૂ.985ના દરે રૂ.39.40 લાખનું ક્વોટેશન આપ્યું હતું. જોકે, બાદમાં ભાવ ઘટાડીને પ્રતિ રનિંગ મીટર રૂ.885 કર્યો હતો. જેથી કુલ ખર્ચ રૂ.35.40 લાખ નક્કી થયો છે.
હવે આ દરખાસ્ત એજન્સી સાથે કરાર અને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. કામગીરી પૂર્ણ કરવા છ મહિનાની સમયમર્યાદા નક્કી કરાઈ છે.
જોકે, મનપા સંચાલિત શાળાઓમાં એકપણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી નોંધાયેલો ન હોવા છતાં આટલી મોટી રકમ ખર્ચવાની તૈયારીને લઈને સવાલો ઊભા થાય છે. ભવિષ્યમાં આવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તો સુવિધા ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ હાલની જરૂરિયાત અને ખર્ચની ઉપયોગિતા અંગે મનપાએ સ્પષ્ટતા કરવી જરૂરી છે.